National

‘6 મહિનામાં દેશમાં રાજનૈતિક ભુકંપ આવશે..’- મથુરાપુરમાં મોદી ગરજ્યા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) સાતમાં તબક્કાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ (PrimeMinister Modi) બુધવારે પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. જેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024 માટે પશ્ચિમ બંગાળમાં (West Bengal) આ તેમની છેલ્લી રેલી છે. આ પછી તેઓ ઓડિશા જશે. પીએમ મોદીએ આ રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

પીએમ મોદીએ રેલી દરમિયાન કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી માટે બંગાળમાં મારી આ છેલ્લી મુલાકાત છે. આ ચૂંટણીમાં દેશની રાજકીય પાર્ટીઓ કે રાજનીતિ નથી, પરંતુ દેશની જનતાએ કન્યાકુમારીથી કાશ્મીર અને અટકથી કટક સુધીની વિકાસ યાત્રા જોઈ છે. 10 વર્ષ અને 60 વર્ષની સફર પણ જોઈ છે. દેશના કરોડો ગરીબ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. મહિલાઓને ખુલ્લામાં શૌચ કરવું પડતું હતું. ત્યારે સૌથી મોટી કમનસીબી એ છે કે આવી સમસ્યાઓને સુધારવા માટે ચર્ચા પણ ન થઈ.

પીએમએ કહ્યું, આજે બંગાળના યુવાનો પાસે ઉપલબ્ધ તકો ઘૂસણખોરો છીનવી રહ્યાં છે. તે લોકો લોકોની જમીન અને સંપત્તિ પર કબજો જમાવી રહ્યા છે જેના કારણે આખો દેશ ચિંતિત છે. બંગાળના સરહદી વિસ્તારોમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે. જનતાનો એક વોટ દેશની રાજનીતિની દિશા નક્કી કરશે. 4 જૂન પછી આગામી 6 મહિનામાં દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થવાની છે.

વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું, ભત્રીજાવાદના લોકોએ જનતાના સપનાઓને મારી નાખ્યા હતા. દેશની પાંચ પેઢી બરબાદ થઈ ગઈ હતી. જે દેશોને આપણી સાથે આઝાદી મળી, તે દેશો આપણાથી નાના હતા. પરંતુ આજે તેઓ ક્યાં ના ક્યાં પહોંચી ગયા છે. આપણી પાસે યુવા વસ્તી હતી, કૌશલ્ય હતું પરંતુ આપણે પાછળ રહી ગયા. આજે ભારત વિકાસ કરી રહ્યું છે અને દુનિયા જોઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારત માટે વિકસિત બંગાળ જરૂરી છે. આ માટે બંગાળમાં બીજેપીના વધુને વધુ સાંસદોની જરૂર છે. ટીએમસીના લોકોને તમારી ચિંતા નથી પરંતુ તેમના તોલાદારો અને કટ મની સિસ્ટમની ચિંતા છે. તેઓ દરેક વસ્તુમાંથી પૈસા કાપવા માંગે છે. ગરીબોના રાશન, મિડ-ડે મીલ અને પીએમ આવાસમાં પણ તેઓ પૈસા કમાવવાનું જ શોધે છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે હતું ટીએમસી બંગાળના લોકોથી એટલી નારાજ છે કે તે બંગાળની ઓળખને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના ગુંડાઓ મઠો પર હુમલા કરી રહ્યા છે. ટીએમસી તુષ્ટિકરણ માટે બંધારણ પર પણ હુમલો કરી રહી છે. મુસ્લિમોના નકલી OBC પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા છે. ઓબીસીના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top