Vadodara

વડોદરા: કંબોડિયા જોબ કેમ્પમાં સંડોવાયેલા યુઈએસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનીષ હિંગુના સાત દિવસના રિમાન્ડ

ક્રાઈમ બ્રાન્ચે મેનેજિંગ ડિરેક્ટરની ઓફિસ અને ઘરે સર્ચ કરી અસંખ્ય ગેરકાયદે પાસપોર્ટ કબજે કર્યા

ઓરિસ્સાના એક વ્યક્તિને નોકરીના બહાને કંબોડીયા ખાતે 34 દિવસ સુધી બંધક બનાવી રાખ્યો હતો, 2000 ડોલર પડાવ્યા બાદ છોડ્યો હતો

પ્રતિનિધિ વડોદરા તા 28
ઓરિસ્સાના એક વ્યક્તિને વિયેતનામ ખાતે જોબ માટે મોકલ્યા બાદ કંબોડિયા બંધક બનાવી 34 દિવસ સુધી ગોંધી રાખી જમવાનું પણ આપ્યું ન હતું. કંબોડિયા ખાતે ચાલતા જોબ સ્કેમનો રેલો વડોદરા સુધી પહોંચ્યો હતો.જેમાં એઆઇએ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત રીતે સુભાનપુરા વિસ્તારમાં આવેલી કંબોડિયા સ્કેમ સાથે સંકળાયેલી યુઈએસની ઓફિસમાં રેડ કરીને તેના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ હિંગુની માનવ તસ્કરીના ગુનામાં ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. તેના ઘરે તથા ઓફિસમાં સર્ચ કરતા અસંખ્ય ગેરકાયદે પાસપોર્ટ મળી આવતા હાલ કબજે કરાયા છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં યુઈએસ સંસ્થાના મેનેજિંગ ડાયરેકટર મનિષ હિંગુએ ઓરિસ્સાના દીનબંધુ લાડુ શાહુને વિયતનામ કોલ સેન્ટરમાં નોકરી અપાવવાનું કહી ત્યાં મોકલ્યા હતા. ત્યાં વિકી સહિતના બે એજન્ટ તેમને કંબોડિયા ખાતે લઈ ગયા હતા અને લોકો સાથે ફ્રોડ કરવાનું કામ કરાવતા હતા. જેથી દિનબંધુએ કામ નહીં કરવાનું કહેતા તેમને બંને જણા કંબોડિયા ખાતે બંધક બનાવી દીધા હતા. 34 દિવસ સુધી તેમને બંધક બનાવી રાખ્યા હતા અને ત્રણ દિવસ જમવાનું પણ આપ્યું ન હતું. તેમના પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવતો હોય તેવો કંટાળી ગયા હતા. જેથી તેઓએ મને ઘરે જવા દો તેવું કહેતા ટોળકી તેમને તમારે ઘરે જવું હોય તો 2000 ડોલર અમને આપવા પડશે નહીંતર તમને ઘરે જવા દઈએ નહીં તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી દિનબંધુએ રૂપિયાની વ્યવસ્થા કરી તેમને ચૂકવી દીધા હતા અને જેમ તેમ કરીને તેમના ચુંગાલમાંથી છુંટીને પરત આવ્યા હતા. દિનબંધુ સાહુએ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ એન આઈ એની ટીમ કંબોડિયા જોબ તેમની તપાસ માટે વડોદરા ખાતે આવી હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે સુભાનપુરા વિસ્તારમાં આવેલી યુઈએસ ની ઓફિસમાં રેડ કરીને માનવ તસ્કરીનો ગુનો દાખલ કરી મનીષ હિંગુની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ મંગળવારે મનીષ હિંગુને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉપરાંત તેના ઘરે તથા ઓફિસમાં સર્ચ કરીને અસંખ્ય ગેરકાયદે પાસપોર્ટ પણ કબજે કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રાઈમ બ્રાન્ચમાં માત્ર એક ફરિયાદ નોંધાવી છે આગામી સમયમાં માનવ તસ્કરી ની વધુ ફરિયાદ નોંધાશે તો તે પ્રમાણે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top