ફિલ્ટરેશન પ્લાન્ટ ફ્લોપ | નડિયાદના શુદ્ધ પાણીનો દાવો પોકળ સાબિત થયો : દૂષિત પાણીના કારણે રોગચાળામાં 150 લોકો સપડાયા
ઝાડા-ઉલટી થયાના 24 કલાકમાં નગરપાલિકાના નિવૃત મહિલા કર્મચારીના મોતથી અરેરાટી
વૃદ્ધાના મૃત્યુ બાદ ચીફ ઓફીસરે સ્થળ પર દોડી જઈ પરીસ્થિતિનો તાગ મેળવ્યો઼
(પ્રતિનિધિ) નડિયાદ, તા.21
નડિયાદ નગરપાલિકામાં છેલ્લા 14 વર્ષથી વનવાસ ભોગવતો ફિલ્ટરેશન પ્લાન્ટ ફ્લોપ થયો હોવાના એક બાદ એક પુરાવા સામે આવી રહ્યા છે. પહેલા માઈ માતાના મંદિર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા બાદ હવે નડિયાદ પશ્ચિમમાં જ ઈન્દિરાનગર વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. આ રોગચાળામાં તો 150 ઉપરાંત સ્થાનિકો સપડાયા છે અને આ પૈકી નગરપાલિકાના જ એક નિવૃત મહિલા સફાઈ કર્મચારીનું મૃત્યુ થતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ ચીફ ઓફીસર સ્થળ પર દોડી ગયા હતા અને પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નડિયાદ નગરપાલિકાના અનેક વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. સપ્તાહ પહેલા શહેરના માઈ માતા મંદિર વિસ્તારની અનેક સોસાયટીઓમાં દૂષિત પાણીની બૂમ ઉઠી હતી. આ વચ્ચે હવે શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ હતી. જેમાં આ વિસ્તારના અનેક પરીવારોના 150 ઉપરાંત લોકો દૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલટીના રોગચાળામાં સપડાયા હતા. જેમાંથી અનેક લોકો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, તો કેટલાય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે આ વિસ્તારમાં રહેતા નગરપાલિકાના નિવૃત સફાઈ કર્મચારી મીનાબેન સોલંકીને પણ સોમવારે ઝાડા-ઉલટી થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી, ત્યારબાદ ઘરે લાવ્યા હતા. આજે મંગળવારે પણ તેમની તબિયતમાં ફેર ન થતા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. આ અંગે મૃતકના પરીવારમાંથી તેમના ભાઈ નરેશભાઈ સોલંકીએ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જેમાં સપ્તાહથી આ વિસ્તારમાં સમસ્યા હોવા છતાં તંત્ર ડોકીયુ કરવા ન આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. તો તંત્રની ઢીલી નીતિના કારણે 150 ઉપરાંત લોકો રોગચાળામાં સપડાયા હોવાનું પણ જણાવ્યુ છે. સોલંકી પરિવારે ઘરમા વડિલ મોભી ખોઈ બેસતા તેઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ છે. સ્વજનનું આ રીતે મૃત્યુ થતા પરિવાર આઘાતમાં સરી ગયો છે અને આક્રંદ છવાયો છે. દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલટી થતા તેમનું મોત નિપજ્યું હોવાનું પરીવારે આક્ષેપ કર્યો છે. ત્યારે તંત્ર રીપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ માલૂમ પડશે તેમ કહી હાથ ઊંચા કરી દીધા છે. એકતરફ તંત્ર જ્યાં સબ સલામત હોવાના દાવા કરી રહ્યુ હતુ, તેની વચ્ચે રોગચાળામાં એકના મોતના સમાચાર સાંભળી ખુદ ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળ સ્થળ પર દોડી ગયા હતા અને રોગચાળાને સબંધે તેમજ દૂષિત પાણી મામલેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
‘છેલ્લા ચાર દિવસથી આ સમસ્યા અમારા ધ્યાને આવી છે. પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત સર્વેની કામગીરી હાથ ધરી ઘેર ઘેર સર્વે કરાયો છે. ક્લોરિન ટેસ્ટ પણ કરાયા છે. જેમાં ક્લોરિન ટેસ્ટ બરાબર આવે છે મેઈન લાઇન ખોદાવી ચેક કરાવી છે. પાણી ક્લિયર આવે છે ડ્રેનેજનું પાણી મિક્સ થતું ક્યાંય દેખાતું નથી. ખૂબજ ગરમીના કારણે આ પરિસ્થિતિ થઈ હોવાનું જણાવ્યું છે તો બીજી તરફ મૃતક બાબતે પૂછતા તેમણે કહ્યું કે, ડોક્ટરનો અભિપ્રાય રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. હાલ ક્લોરિન ટેસ્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે. તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પાણીનો રેગ્યુલર ટેસ્ટિંગ કરાવામા આવી રહ્યું છે. જેમાં પાણીના તમામ ટેસ્ટ પોઝિટિવ આવે છે ગઈકાલ સુધી જાડા ઉલટીના 24 કેસ સિવિલમાં હતા જે આજે 84 કેસની આસપાસ છે’ : રૂદ્રેશ હુદળ, ચીફ ઓફીસર, નગરપાલિકા