Vadodara

વડોદરા : જૂના મીટર પાછા આપોની પ્રબળ માંગ, ગૃહિણીઓ મેદાનમાં

ફતેગંજ વિસ્તારના લોકોનું વીજ કચેરી ખાતે ધરણા પ્રદર્શન

ગરમીમાં એટેક આવી જશે જવાબદારી કોની ? : સ્થાનિક રહીશો

( પ્રતિનિધિ ) વડોદરા તા.21

વડોદરા શહેરમાં સતત સાતમા દિવસે સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત જોવા મળ્યો છે. શહેરમાં 25,000 ઉપરાંત સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. જે લોકોના ઘરોમાં હાલમાં સ્માર્ટ મીટર કાર્યરત છે, તેવા લોકોની હાલત કફોડી બની છે ત્યારે ફતેગંજ વિસ્તારના લોકોએ વીજ કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી જૂના મીટર પાછા આપવા માંગ કરી હતી.

વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત લોકોના ઘરોમાં પહેલી જાન્યુઆરીથી નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઈ હતી. જોકે આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લોકોને જે દર બે મહિને બિલ આવતું હતું. તેની જગ્યાએ હવે માત્ર ત્રણ ચાર દિવસમાં જ 1000 થી લઈ પાંચ પાંચ હજાર રૂપિયા સુધીનું રિચાર્જ કરવાની ફરજ પડી છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં લોકોનો વિરોધ પારખી ગયેલ વીજ કંપનીએ આખરે ઝૂકવું પડ્યું હતું અને હાલ પૂરતા નવા સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક મારી દીધી હતી. પરંતુ અત્યાર સુધીમાં 25000 ઉપરાંત સ્માર્ટ મીટરો લોકોના ઘરોમાં લાગેલા છે. ત્યારે આ લોકોને ના છૂટકે રિચાર્જ કરવાની ફરજ પડી રહી છે. જેને લઇ લોકોની હાલત કફોડી બની છે. રિચાર્જ ન કરે તો ઓટોમેટીક વીજળી દૂર થતાં 42 ડિગ્રી તાપમાનમાં લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે ફતેગંજ વિસ્તારના લોકોએ વીજ કચેરી ખાતે મોરચો માંડી ધરણા પ્રદર્શન કર્યું હતું. ફતેગંજ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે પહેલા દર બે મહિને 1300 રૂપિયા બિલ આવતું હતું. હવે દર ત્રણ ચાર દિવસે રૂ.1,000 થી વધુનું રિચાર્જ કરવું પડે છે અને રિચાર્જ ન કરે તો અડધી રાત્રે પણ વીજળી કટ થઈ જાય છે. ઘરમાં કોઈ સાજુ માંદુ હોય નાના બાળકો હોય આટલી ગરમીમાં ક્યાં જવાના, ગરીબ લોકો જે છૂટક મજૂરી કરી રોજનું ખાય રોજનું પેટીયુ રડે છે, એ દર બે ત્રણ દિવસે 1000 થી 1500 રૂપિયાનું રિચાર્જ ક્યાંથી કરે. અમને આ સ્માર્ટ મીટર નથી જોઈતા પાછા જૂના મીટર આપો. અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા હાલ પૂરતા લોકોના ઘરોમાં નવા સ્માર્ટ મીટર લગાવવા બ્રેક મારી દીધી છે, પણ જે લોકોના ઘરોમાં હાલમાં સ્માર્ટ વીજ મીટર કાર્યરત છે, તેવા લોકોની હાલત કફોડી બની છે.

Most Popular

To Top