Vadodara

વડોદરા : ગરમીના પારા સાથે લોકોના મગજનો પારો સાતમા આસમાને, વીજ કચેરીમાં તોડફોડ, વીજ વાયરો સળગાવી ઉગ્ર વિરોધ

સન ફાર્મા રોડ વિસ્તારમાં વીજળી ડૂલ થતા વીજ કચેરીમાં લોકોનું હલ્લાબોલ

હવે સાંખી નહી લેવાય, હવે તોડફોડ વાળી જ કરવી પડશે : સ્થાનિક રહીશો

( પ્રતિનિધિ ) વડોદરા તા.21

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં એમજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રાત્રીએ અકોટા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે વીજળી ડૂલ થવાની સમસ્યાને લઈ રજૂઆત માટે પહોંચેલા સન ફાર્મા રોડ ઉપર આવેલી અનેક સોસાયટીના લોકોએ વીજ વાયરો સળગાવી તોડફોડ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરોના વિરોધ બાદ હવે લોકોના ઘરોમાં વીજળી ગોલ થતા વિવિધ વીજ કચેરીએ લોકોના મોરચા અડધી રાત્રે પહોંચી રહ્યા છે. લોકોના મગજનો પારો હવે સાતમા આસમાને પહોંચ્યો છે અધિકારીઓ ફોન નથી ઉપાડતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ગત રાત્રે અકોટા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે વીજળી ડૂલ થવાની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત લઈ પહોંચેલા સનફાર્મા રોડ પર આવેલી જેનબ રેસિડેન્સી, આસ્થા ફ્લેટસ, સામ્યા ફ્લેટ, ગોલ્ડન હાઈટ્સ, અજિત નગર સહિત સમગ્ર સનફાર્મા રોડ વિસ્તારના લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી દરરોજ રાત્રે લાઇટો ડુલ થઈ રહી છે જે સવારે ચાર ચાર વાગ્યા સુધી આવે છે. અમારા ઘરે નાના બાળકો વૃદ્ધો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અન્ય એક વીજ ગ્રાહકે જણાવ્યું હતું કે મારી દીકરી ગર્ભવતી છે એને આઠમો મહિનો ચાલી રહ્યો છે. આ કાળજાળ ગરમીમાં હું એને નીચે ગાર્ડનમાં બેસાડીને આવ્યો છું. કાલ ઊઠીને કોઈ ઘટના બનશે તો જીઇબી વાળા જવાબદારી લેશે. જ્યારે અન્ય એક વીજ ગ્રાહકે જણાવ્યું હતું કે મારા ઘરે હાર્ટ પેશન્ટ છે. વીજ બીલ ભરવા છતાં પણ લાઈટો કટ થઈ રહી છે કારણ જણાવતા નથી કે શું ફોલ્ટ છે.

અધિકારીઓ ફોન ઉપાડતા નથી. નહિ સાંભળે તો હવે તોડફોડ વાળી શરૂ થઈ ગઈ છે. ના છૂટકે હવે અમારે આ પગલું ભરવું જ પડશે. લોકોના ઘરોમાં કનેક્શન કટ કરવા આવે છે. ત્યારે એક મિનિટનો સમય નથી લગાવતા, પૂછ્યા વગર કટ કરી જાય છે અને અત્યારે જ્યારે લોકો બિલ ભરી રહ્યા છે, તેવા લોકોના ઘરોમાં પણ વીજળી કટ થઈ રહી છે.

અન્ય એક ગ્રાહકે જણાવ્યું હતું કે સરકારે જે જીઇબી નું ખાનગીકરણ કર્યું એમજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એ ખૂબ જ ખોટું પગલું ભર્યું છે. ખાનગી કંપનીઓના હવાલે કરી દીધું છે. જે ફક્ત અને ફક્ત રૂપિયા ઉઘરાવવામાં ઇચ્છે છે અને હવે આ લોકો પ્રિપેડ મીટરને લાવ્યા, આ બધા નાટકો અલગ અલગ લાવી રહ્યા છે. આટલી બધી કાળઝાળ ગરમીમાં અડધી રાત્રે નાના નાના બાળકો વૃદ્ધો હાર્ટ પેશન્ટો જાય ક્યાં બધા રોડ ઉપર આવી ગયા છે. હાલમાં તો ઘરે ઘરે વીજળી ઉત્પન્ન થઈ રહી છે તેવું સરકાર કરી રહી છે. તો વીજળી જાય છે ક્યાં? પાંચ રાજ્યોને આપણે વીજળી પૂરી પાડીએ છીએ પણ ગુજરાતના વડોદરાની હાલત બદતર થઈ ગઈ છે.

Most Popular

To Top