Vadodara

સ્થાયી ચેરમેન અને મેયર હવે દંડકને જાણ કર્યા વિના તેમના વોર્ડમાં પહોંચ્યા, ભાજપનો ભડકો વધુ ઉગ્ર બન્યો

  • દક્ષિણ ઝોનમાં મેયર અને ચેરમેને મુલાકાત લેતા દંડક નારાજ થઇ ગયા
  • વિવિધ ઝોનમાં મુલાકાત દરમિયાન સ્થાનિક નગરસેવકોને જાણ ન કરાતા લોકોમાં ખોટો મેસેજ જતો હોવાની લાગણી

વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરોનો આંતરિક ખટરાગ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યો. એક બાદ એક વમળો આવ્યા જ કરે છે. પાલિકાનો જૂથવાદ હવે ખુલીને સામે આવી રહયો છે. ચૂંટણી બાદ આ ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનની એકલા ચાલો રે ની નીતિનો વિવિધ કોર્પોરેટરો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. ચેરમેન શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિ મોન્સૂન કામગીરી તેમજ વિકાસ કાર્યોના ટેક્નિકલ નિરીક્ષણ માટે એકલા જઈ રહ્યા છે અને સ્થાનિક નગરસેવકોને સાથે નથી રાખતા તેના કારણે નગરસેવકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રિ મોન્સૂન કામગીરી ચાલી રહી છે. અને હાલમાં સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી ટેક્નિકલ નિરીક્ષણ કરી રહ્યા છે. જો કે તેઓએ આ કામગીરી શરુ કરી ત્યારથી જ વિવાદ સર્જાયો છે. અગાઉ તેઓ ડેપ્યુટી મેયરના વોર્ડમાં નિરીક્ષણ માટે ગયા હતા તો ડેપ્યુટી મેયરે તેઓના વોર્ડમાં નિરીક્ષણ કર્યું હતું. તેઓ અને ડેપ્યુટી મેયર વચ્ચેનો ખટરાગ સામે આવ્યો હતો. સોમવારે શહેરના દક્ષિણ ઝોનમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે ચેરમેન ડૉ . શીતલ મિસ્ત્રી પહોંચ્યા હતા તેઓ સાથે મેયર પિન્કી સોની પણ જોડાઈ ગયા હતા અને પુનઃ વિવાદ વકર્યો છે. વોર્ડ 17 ના સભ્ય અને દંડક શૈલેષ પાટીલે નારાજગી વ્યક્ત કરી અને તેઓને આ કામગીરીના નિરીક્ષણ માટે ન બોલાવતા તેઓએ સંગઠન સુધી વાત પહોંચાડવાની તૈયારી બતાવી દીધી. જો કે પાલિકામાં હાલ જૂથબંધી  ચાલી રહી છે. જેમાં આંતરિક ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે કે યે આગ કબ બુઝેગી? 

સ્થાનિક કોર્પોરેટરને ખ્યાલ હોય કે શું સમસ્યા છે અને ક્યાં પાણી ભરાય છે 

સ્થાયી સમિતિના ચેરમેન અને મેયર નિરીક્ષણ માટે આવ્યા ત્યારે સ્થાનિક કોર્પોરેટરને સાથે ન રાખ્યા જેના કારણે લોકોમાં ખોટો સંદેશ જાય છે. અમે અમારા વિસ્તારમાં કામ કરીએ છીએ અને વિસ્તારની સતત ચિંતા કરીએ છે. અમને ખ્યાલ હોય કે ક્યાં શું સમસ્યા છે અને ક્યાં પાણી ભરાય છે. ત્યારે જો તેઓએ અમને બોલાવ્યા હોત તો અમે પણ અમારો અભિપ્રાય આપત. તેઓ પોતાની રીતે જાય છે તે નગરસેવકો માટે સારી બાબત નથી. આ અંગે અમે સભામાં પણ રજૂઆત કરવાના છે અને જરૂર પડશે તો સંગઠનમાં પણ રજૂઆત કરવાના છે. – શૈલેષ પાટીલ, નગરસેવક વોર્ડ 17 અને દંડક 

દરેકને બોલાવવા એ શક્ય નથી 

હું માત્ર એક વોર્ડમાં નહિ પરંતુ આખા ઝોનમાં ટેક્નિકલ નિરીક્ષણ માટે જાવ છું. અને અધિકારીઓ સાથે ચર્ચા કરું છું. મારી ચર્ચા કોઈ સ્થાનિક લોકો સાથે નથી હોતી કે તેઓ સાથે મિટિંગ નથી હોતી. સમગ્ર ઝોનમાં મુલાકાત લેવાની હોય તો મારા માટે દરેક કાઉન્સિલરને બોલાવવા એ શક્ય નથી હોતું. અને ચેરમેનને અધિકાર છે કે તે આખાયે શહેરની કામગીરીનું નિરીક્ષણ કરે. કોઈ કોર્પોરેટરને સમસ્યા હોય તો મારુ ધ્યાન દોરે. મારી સમક્ષ રજૂઆત કરી શકે છે તો તેનું પણ નિરાકરણ લાવવાના પ્રયાસ કરીશું.  – ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ 

હું તો આકસ્મિક રીતે નિરીક્ષણમાં જોડાઈ 

મારુ નિરીક્ષણ કરવા આવવાનું નક્કી ન હતું. પરંતુ આકસ્મિક રીતે નિરીક્ષણની કામગીરીમાં જોડાઈ છું. ચેરમેન દરેક ઝોનમાં જઈને નિરીક્ષણ કરી રહ્યા છે. અને ચોમાસા પૂર્વે કામગીરી પુરી થાય તે માટેની સૂચના આપી રહ્યા છે. – પિંકી સોની, મેયર 

Most Popular

To Top