નવી દિલ્હી: કિર્ગિસ્તાનની (Kyrgyzstan) રાજધાની બિશ્કેકમાં (Bishkek) ગઇકાલે 17મેના રોજ મોડીરાત્રે કેટલાક માથાભારે તત્વોએ ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ઉપર હુમલો (Attack) કર્યો હતો. જેમાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે શુક્રવારે 17 મે ના રોજ બિશ્કેકમાં કેટલાક સ્થાનિક માથાભારે તત્વો ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવા સ્થાનિક હોસ્ટેલમાં ઘૂસી ગયા હતા. આ હોસ્ટેલમાં માત્ર ભારતીય, પાકિસ્તાન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા. તેમજ હુમલા બાદ અહીં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બહાર જવાની ના પાડી હતી.
આ સાથે જ ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓને તેમના ઘરની અંદર રહેવાની અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં એમ્બેસીનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અમારો 24×7 સંપર્ક નંબર 0555710041 છે.
સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘હું બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું, કહેવામાં આવી રહ્યું છે કે હવે ત્યાં શાંતિ છે. પરંતુ વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
કિર્ગીઝ મીડિયાના અહેવાલો અનુસાર, બિશ્કેકમાં તબીબી શૈક્ષણિક સંસ્થાઓની કેટલીક હોસ્ટેલ અને પાકિસ્તાન સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓના ખાનગી રહેઠાણો પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ કિર્ગીઝ સ્ટુડન્ટ્સ દ્વારા પાકિસ્તાનની કેટલીક સ્ટુડન્ટ્સને હેરાન કરવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે X પરની એક પોસ્ટમાં પોતાના દેશના વિદ્યાર્થીઓ પર હુમલાની પુષ્ટિ કરી હતી.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટનામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેમજ પાકિસ્તાની વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને તેમના દેશના દૂતાવાસ તરફથી કોઈ મદદ મળી નથી. કિર્ગિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, 13 મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઇજિપ્તના મેડિકલ વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈનો એક વીડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યા પછી, આ મુદ્દો વધી ગયો અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.