સીમા ટ્રેડર્સને ભળતો લોગો બનાવી મસાલા વેચતા 3 વેપારી પાસેથી એક લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
(પ્રતિનિધિ) આણંદ તા.17
આણંદ શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર અને ગંજ વિસ્તારમાં કંપનીના માણસોએ તપાસ કરીને 3 વેપારીઓને ત્યાંથી સીમા ટ્રેડર્સના લેબલને મળતું ભળતું કલાક્રુતીવાળા માવા (મસાલા)નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 1.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સીમા ટ્રેડર્સ કંપનીની બ્રાન્ડની લેબરલવાળી પેકીંગ સોપારીનું આણંદ રેલવે સ્ટેશનની સામે તથા આણંદ ગંજ બજારમાં ડુપ્લીકેટ વેચાણ થઇ રહ્યું છે. આથી, પોલીસને સાથે રાખી 16મી મેના રોજ વેપારીઓને ત્યાં તપાસણી કરવામાં આવી હતી. જેમાં આણંદ રેલવે સ્ટેશન પાસે પાલિકા શોપીંગ સેન્ટરની દુકાન નં.6 કલ્યાણી ટ્રેડર્સને હાજર જયેશકુમાર ખુબચંદ કલ્યાણી (રહે. રાધાસ્વામી સોસાયટી, આણંદ)ની પુછપરછ બાદ તપાસ કરતાં એબી લેબલના રજીસ્ટ્રર કોપીરાઇટવાળા સોપારી બ્રાન્ડના મળતા ભળતા કલાકૃતિવાળા (સોપારી, ચુનો, તમાકુ)ના પાઉચ મળી આવ્યાં હતાં. જેમાં પાછળના ભાગે ભૂમિગૃહ ઉદ્યોગ અમદાવાદ લખેલું હતું. આ અંગે કોઇ પ્રમાણપત્ર મળી આવ્યું નહતું. આ ઉપરાંત જનતા મુખવાસ નામની દુકાનના વેપારી ફેજાન આરીફ વ્હોરા (રહે. પોલસન ડેરી, આણંદ) અને સરદાર ગંજ બેન્કની સામે મહાવીર ટ્રેડર્સ નામની દુકાન પાસે સાવન રવિન્દ્ર ગાંધી (રહે.મોગરી)ને ત્યાંથી પણ મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ, ત્રણ વેપારી જયશકુમાર ખુબચંદ કલ્યાણી, ફેજાન આરીફ વ્હોરા અને સાવન રવિન્દ્ર ગાંધીને ત્યાંથી 1,03,950નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે કોપી રાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.