નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) વારંવાર ભારતની (India) પ્રશંસા કરતું રહે છે. ત્યારે ફરી એક વાર પાકિસ્તાની સંસદમાં (Parliament of Pakistan) ભારતનો ડંકો વાગ્યો હતો. અસલમાં પાકિસ્તાની નેતા સૈયદ મુસ્તફા ગઇકાલે બુધવારે પાકિસ્તાનમાં ગરજ્યા હતા. સૈયદ મુસ્તફા (Syed Mustafa) મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) પાર્ટીના નેતા છે. તેમણે બુધવારે સંસદમાં કરાચીના લોકોની સમસ્યાઓને વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે ભારતના વખાણ શરૂ કર્યા હતા.
પાકિસ્તાની નેતા મુસ્તફાએ કરાચીની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે અને ભારત ચંદ્ર પર જઈ રહ્યું છે. કરાચીમાં ગટર ઉપર ઢાંકણા નથી. જેથી બાળકો ઘણીવાર આ ગટરોમાં પડીને મૃત્યુ પામે છે. એક જ સ્ક્રીન પર એક સમાચાર છે કે ભારત ચંદ્ર પર ગયું અને 2 સેકન્ડ પછી સમાચાર છે કે કરાચીમાં ગટરના ઢાંકણાના અભાવે એક બાળક ગટરમાં પડીને મૃત્યુ પામ્યો. 15 વર્ષથી દર ત્રીજા દિવસે આવા એક સમાચાર આવે જ છે.
મુત્તાહિદ કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) ના સાંસદ સૈયદ મુસ્તફા કમલે સંસદમાં બોલતા પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ પાકિસ્તાનના તમામ સાંસદો તેમની વાત ચૂપચાપ સાંભળતા રહ્યા. સૈયદ મુસ્તફાએ કહ્યું કે કરાચી જેવા શહેરને છેલ્લા 15 વર્ષથી એક ટીપું પણ નવું પાણી આપવામાં આવ્યું નથી.
પાણી જે લાઈનોમાંથી આવતું હતું તે પાણીને માફિયાઓ ચોરી કરીને વેચી રહ્યા છે. આજે સમગ્ર સિંધમાં 48 હજાર શાળાઓ છે, જેમાંથી 11 હજાર ભૂતિયા શાળાઓ હોવાનું જાણવા મળે છે. આપણા દેશમાં 2 કરોડ 62 લાખ બાળકો શાળાએ જતા નથી. આ આંકડો ભયાનક છે.
પાકિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા MQM નેતાએ વર્તમાન સ્થિતિને ભયાનક ગણાવી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના કરાચી જેવા શહેરો પાયાની સુવિધાઓ માટે તરસી રહ્યા છે. જ્યારે પાકિસ્તાનના કુલ જીડીપીમાં કરાચીનો મોટો હિસ્સો છે. આમ છતાં કરાચી શહેરની હાલત દયનીય છે. સૈયદ મુસ્તફાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ પોતાનું દર્દ શેર કર્યું હતું.
મુસ્તફાએ કહ્યું, ‘કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે. પાકિસ્તાનમાં શરૂઆતથી જ કાર્યરત બે બંદરો અહીં આવેલા છે. આ સમગ્ર દેશનું પ્રવેશદ્વાર છે. કરાચીને 15 વર્ષથી વધુ શુદ્ધ પાણી મળતું ન હતું. જે પણ પાણી આવ્યું તે પણ ટેન્કર માફિયાઓએ વસૂલ્યું.
સૈયદ મુસ્તફા કમાલના ભાષણ પહેલા વરિષ્ઠ પાકિસ્તાની રાજકારણી મૌલાના ફઝલુર રહેમાને ભારત અને પાકિસ્તાન વચ્ચેની આર્થિક અસમાનતાઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે અને આપણે ગરીબીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છીએ.’