Vadodara

વડોદરા : વીજ પુરવઠો ખોરવાતા રોષનો રેલો અધિકારીઓના ઘરે પહોંચ્યો

રાત્રે 2 વાગ્યે વિદ્યુત કોલોની ખાતે લોકોએ મોરચો માંડ્યો, પોલીસે મામલો સંભાળ્યો

પીએમ મોદી દિલ્હીથી ગુજરાત આવશે તોજ હવે આગળ વિકાસ થશે : સ્થાનિક રહીશ

( પ્રતિનિધિ ) વડોદરા તા.16

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા વિસ્તારના લોકોએ મોડી રાત્રે અધિકારીઓના નિવાસ્થાને મોરચો માંડ્યો હતો. જોકે પરિસ્થિતિ વધુ વળશે તે પહેલાં જ પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

સરકારના પાયલોટ પ્રોજેક્ટ નવા સ્માર્ટ વીજ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોમાં લોકોની ફરિયાદ ઉઠી છે. નવા પ્રીપેડ વીજ મીટરમાં રિચાર્જ કરાયાના બે ત્રણ દિવસમાં જ રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું વીજ ગ્રાહકો જણાવી રહ્યા છે. શહેરના સુભાનપુરા ગોત્રી અકોટા સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા વીજ કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને નવા સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જૂના મીટર લગાવી આપવા પ્રબળ માંગ ઉઠી છે. તો બીજી તરફ શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ગત મોડી રાત્રે અકોટા સબ ડિવિઝનની કચેરી ખાતે રજૂઆત કરવા ગયેલા લોકોને કડવો અનુભવ થયો હતો જુનિયર અધિકારીએ સિનિયર અધિકારીને લોકોની ફરિયાદ મામલે મોબાઈલ ફોન કરતા સિનિયર અધિકારીએ જુનિયર અધિકારી નો ફોન લેવાની તસ્દી પણ લીધી ન હતી. જેના કારણે લોકોમાં વધુ આક્રોશ ફેલાતા તાંદલજા વિસ્તારના રહીશોએ વિદ્યુત કોલોની જીઈબીના અધિકારીઓના નિવાસ્થાને મોડી રાત્રે 2:00 વાગ્યા ના સુમારે મોરચો માંડ્યો હતો? જોકે તુરત પોલીસ બોલાવી લેવામાં આવી હતી. પી.આઈ સહિતનો કાફલો વિદ્યુત કોલોની ખાતે પહોંચ્યો હતો. સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ કચેરીમાં ધક્કા ખાઈને થાકી ગયા છે કોઈ અધિકારી સાંભળતું નથી. જેથી કરીને મોડી રાત્રે અમારે અધિકારીઓના નિવાસ્થાને વિદ્યુત કોલોની આવવાની ફરજ પડી છે. પરંતુ રજૂઆત કરે તે પહેલા જ પોલીસ બોલાવી દીધી છે. અમારા ઘરમાં નાના બાળકો છે વૃદ્ધો છે, કાલ ઊઠીને કોઈ મોટી ઘટના બનશે તો જવાબદાર કોણ ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ગયા તેમને પાછા બોલાવો ગુજરાતમાં કારણ કે, ડબલ એન્જિનની આ સરકાર હવે ફેલ ગઈ છે. મોદી સાહેબ ગુજરાતમાં આવશે તો જ હવે આગળનો વિકાસ થશે. જ્યારે અધિકારીઓ જણાવ્યું હતું કે આ ટોળા ભેગા થયા છે. મોબાઇલમાં મેં જોયું ફીડરમાં સમસ્યા છે. આખું ફીડર બદલવું પડે, એ રાત્રે ન થઈ શકે. અડધી રાત થઈ છે કોણ અધિકારી ફોન ઉપાડશે તેમ જણાવ્યું હતું. મહત્વની બાબત છે કે, લોકોની ઊંઘ બગાડી અધિકારીઓ ભર નિંદ્રા માણી રહ્યા છે. ત્યારે લોકોમાં આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.

Most Popular

To Top