જ્યારે ઘરના તમામ ભેગા થાય ત્યારે પરિવાર બનતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું તો એક અલગ જ મહત્વ છે. પરસ્પર પ્રેમ અને એકતાનું જંકશન એટલે પરિવાર. પવિત્ર સંબંધોનો મેળાવડો એટલે પરિવાર. જ્યારે ઈવ અને આદમ હતા ત્યારે પરિવાર નહોતો. બાદમાં પરિવારો બન્યા. જ્યાં પરિવાર નથી ત્યાં શાલીનતા નથી. જ્યાં પરિવાર નથી ત્યાં ચરિત્ર નથી. જ્યાં પરિવાર નથી ત્યાં સ્વચ્છંદતા છે. જ્યાં પરિવાર નથી ત્યાં એકતા નથી.
જ્યાં પરિવાર નથી ત્યાં કંકાસ છે. જ્યાં પરિવાર નથી ત્યાં મજબુતાઈ નથી અને જ્યાં પરિવાર નથી ત્યાં માનસિક શાંતિ નથી. એક સમય હતો કે જ્યારે ભારતમાં મોટાભાગના સંયુક્ત પરિવારો હતા. આજે પરિવારપ્રથા તૂટી રહી છે. જેને કારણે અનેક સમસ્યાઓ વધી રહી છે. પતિ-પત્નીની દિશા અલગ પડી રહી છે. સંતાનો સમજવા તૈયાર નથી અને આ તમામને કારણે ડિપ્રેશન આવવાની ઘટનાઓ વધી રહી છે. જ્યાં સુધી પરિવારો સંયુક્ત હતા ત્યાં સુધી ડિપ્રેશન આવવાની ઘટનાઓ ભાગ્યે જ બનતી હતી.
તા.15મી મેનો દિવસ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1993માં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રિય પરિવાર દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. દર વર્ષે જુદા-જુદા વિષયો આધારીત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રિય પરિવાર દિવસની થીમ કુટુંબ અને આબોહવા પરિવર્તનની રાખવામાં આવી હતી. પરિવાર દિવસ ઉજવવાની કેમ જરૂરીયાત ઊભી થઈ? આ પ્રશ્નાર્થમાં જ પરિવાર શા માટે હોવો જોઈએ તેના જવાબો છે.
સંયુક્ત પરિવારમાં જવાબદારીઓ વહેંચાઈ જતી હતી. વ્યક્તિ બોજમુક્ત રહેતો હતો. એકબીજાને મદદ કરવાને કારણે પરિવારમાં ખુશહાલી વધારે રહેતી હતી. સંયુક્ત પરિવારોને કારણે સભ્યો અનૈતિકતાથી દૂર રહેતા હતા. તે સમયે મકાનો ભલે નાના હતા પરંતુ દિલ મોટા હતા. આજે પરિવારો વિખેરાઈ રહ્યા છે. આજે મકાનો મોટા છે પરંતુ પરિવારો નાના થઈ ગયા છે. સંસ્કારો ભૂલાઈ રહ્યા છે. પરિવારો તૂટી રહ્યા છે.
સંયુક્ત પરિવારોનું મહત્વ સમજીને જ આજે પણ અનેક પરિવારો એવા છે કે જેમના દ્વારા સંયુક્તરીતે પરિવાર ચલાવવામાં આવે છે. આ જ મહત્વને કારણે ભારત સરકારે હિન્દુ અનડિવાઈડેડ ફેમિલીને પણ એક વ્યક્તિ તરીકે ગણવાનો નિર્ણય કર્યો છે. જેમ આંગળીઓ ભેગી થઈ જાય તો મુઠ્ઠી બને છે તેમ જો પરિવારના સભ્યો ભેગા રહે તો પરિવારની તાકાત વધી જાય છે.
પરિવારની આ તાકાત સમજીને જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘરસભા યોજવાની ભલામણ કરવામાં આવે છે. જો ઘરસભા યોજીને દરેક વ્યક્તિ પોતાની સમસ્યાની સાથે અન્ય તમામ વસ્તુઓ અન્ય સભ્ય સાથે શેર કરે તો તેના અનેકગણા ફાયદા રહે છે. જો ડિપ્રેશનથી બચવું હોય, જીવનની સમસ્યાઓને દૂર કરવી હોય તો પરિવારને મજબુત બનાવવાની જરૂરીયાત છે. દરેક વ્યક્તિએ પોતાના પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. પરિવારના સભ્યો સાથે વાતચીત કરતાં રહેવું જોઈએ.
પરિવારના સભ્યો સાથે નવી નવી પ્રવૃત્તિઓ કરતાં રહેવું જોઈએ. જો પરિવાર મજબુત હશે તો પરિવારના સભ્યો મજબુત હશે. પરિવાર થકી જ આર્થિક ઉન્નતિ થઈ શકે છે. પરિવાર થકી જ મોટી સમસ્યાના સમાધાન થઈ શકે છે. પરિવાર દિવસ માટે ભલે એક ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી હોય પરંતુ જો રોજ જ પરિવાર દિવસ ઉજવવામાં આવે તો જે તે પરિવારની પ્રગતિ ચોક્કસ જ થશે.