- 35 થી 40 કિમિ ગતિ સાથે પવન ફૂંકાયો
- કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા
શહેરમાં સમી સાંજે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. અંદાજે 35 થી 40 કિમીની ગતિ સાથે પવન ફૂંકાયો હતો, જેના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં છાપરા અને હોર્ડિંગ્સ ઉડ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી. તો અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હોવાની પણ ઘટનાઓ સામે આવી હતી. વાવાઝોડા બાદ વરસાદી ઝાપટાએ ઠંડક પ્રસરાવી હતી.
વડોદરા શહેરમાં સમી સાંજે કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી. સાથે ભારે પવને શહેરને રીતસરનું બાનમાં લીધું હતું. અચાનક પવનની ગતિ તેજ થઇ જતા નગરજનો પણ અચંભામાં મુકાઈ ગયા હતા. આમ તો હવામાન વિભાગ દ્વારા વડોદરા તેમજ મધ્ય ગુજરાતમાં સોમવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ સાંજે વાવાઝોડું ફૂંકાતા નગરજનો અટવાઈ પડ્યા હતા. સાંજે નગરજનો ઠંડક મેળવવા તેમજ કેટલાક લોકો ઓફિસથી ઘર તરફ જઈ રહયા હતા દરમિયાન વાવાઝોડાના પગલે તેઓએ જ્યાં હતા ત્યાં જ ઉભા રહી જવાની નોબત આવી હતી. શહેરમાં 35 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. અને તેના કારણે અનેક છાપરા ઉડી ગયા હોવાની ઘટનાઓ જાણવા મળી રહી છે. તો અનેક વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાયી થયા હતા.
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ વહેલું બેસશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે સોમવારે આવેલા વાવાઝોડાએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી જેના કારણે નગરજનોએ રાહતની અનુભૂતિ કરી હતી.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2024/05/IMG20240513190719-1024x462.jpg)
અનેક વિસ્તારોમાં લાઈટો ડૂલ થઇ ગઈ
ભારે પવન ફૂંકાવાના પગેલ શહેરના અનેક વિસ્તારોમાં લાઈટો ડૂલ થઇ ગઈ હતી. પવનની ગતિ તેજ હોવાથી અનેક સ્થળોએ નુકસાન થયું હવોના પણ અહેવાલ છે. કેટલાક વિસ્તારોમાં તો પવન ફૂંકાવાની શરૂઆત થતાની સાથે જ વીજળી ડૂલ કરી દેવામાં આવી હતી. એક તરફ પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અચાનક આવેલા પવનમાં આ કામગીરીની પણ સમીક્ષા થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે
![](https://gujaratmitra.in/wp-content/uploads/2024/05/IMG20240513190715-1024x462.jpg)
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)