નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) ફસાયેલા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલમાં વચગાળાના જામીન પર તિહાર જેલમાંથી (Tihar Jail) બહાર આવ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું. તેમજ સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ આ મામલે દખલ કરી શકે નહીં. તેમજ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેજરીવાલને સીએમ પદ છોડવા માટે કહેવાનો તેમને કોઈ કાનૂની અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ કસ્ટડીમાં હોવાને કારણે તેઓ મુખ્યમંત્રી પદની બંધારણીય જવાબદારી નિભાવી શકતા નથી. તેથી તેમણે આ પદ સંભાળવું જોઈએ નહીં. આ વિષયે જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે કેજરીવાલ કસ્ટડીમાં રહીને પણ મુખ્યમંત્રી પદ સંભાળે છે કે નહીં તે નૈતિકતાનો પ્રશ્ન હોઈ શકે છે, પરંતુ એવો કોઈ કાનૂની અધિકાર નથી કે જેના કારણે તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરી શકાય. જો કોઈ કાર્યવાહી કરવી હોય તો એલજીએ કરવી જોઈએ, પરંતુ અમે આ મામલે દખલ નહીં કરીએ.
EDએ 21 માર્ચે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી
21 માર્ચે EDએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા. જો કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે 10 મે ના રોજ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. તેમજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
પરંતુ વચગાળાના જામીન પૂર્ણ થતા જ અરવિંદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને ઘણી રાહત મળી હતી, હવે પાર્ટી પોતાના ટોચના નેતાની હાજરીમાં ચૂંટણી પ્રચાર કરી શકશે. જેથી તેમને મોટી રાહત મળી હતી.
સુપ્રીમ કોર્ટે આ શરત મૂકી છે
જામીન આપ્યા બાદ કોર્ટે તેમને તેમની ઓફિસ અથવા દિલ્હી સચિવાલયમાં જવા અને સરકારી ફાઇલો પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો સિવાય કે તે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી માટે તેમના હસ્તાક્ષર એકદમ જરૂરી હોય. કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 50 દિવસની કસ્ટડી પછી, લોકસભા ચૂંટણીના બાકીના તબક્કાના પ્રચાર માટે કેજરીવાલને 21 દિવસ માટે મુક્ત કરતાં કોર્ટે કહ્યું કે તેઓ 2 જૂને આત્મસમર્પણ કરશે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. 4 જૂને મતગણતરી થશે. જેથી તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.