લેખક અને કોચ એવા ડૉ. શીતલ નાયરે કર્મચારીઓ અને સંસ્થાઓએ કાર્યસ્થળે કેવી રીતે સરળતાથી કામ કરવું તે સવાલોના જવાબ આપ્યા
વડોદરા: હાલના સમયે દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે અનેક લોકો તેઓના જીવનને બીજાના જીવન જેવું બનાવવા લાગ્યા છે. આ સાથે ભારતીય કાર્યસ્થળોમાં મનોવૈજ્ઞાનિક પડકારોનો સામનો કરવા માટે બહુપક્ષીય અભિગમ, સંસ્થાકીય હસ્તક્ષેપ, વ્યક્તિગત સ્થિતિસ્થાપકતા અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે સામૂહિક પ્રતિબદ્ધતાની જરૂર છે. જે માટે કર્મચારીઓમાં સહાનુભૂતિ, સમજણ શક્તિ અને સમર્થનના કલ્ચરને પ્રોત્સાહન આપીને આપણે પ્રત્યેક માટે ઉજ્જવળ અને ઉત્તમ ભવિષ્ય તરફનો માર્ગ બનાવી શકીએ છીએ તેમ અનમાસ્કિંગ ધ મેન્ટલ મેઝ શિર્ષક હેઠળ મનોચિકિત્સક, લેખક અને કોચ એવા ડૉ. શીતલ નાયરે કર્મચારીઓ અને સંસ્થાઓએ કાર્યસ્થળે કેવી રીતે સરળતાથી કામ કરવું તે સવાલોના જવાબ આપ્યા છે.
સવાલ : સામાન્ય રીતે કર્મચારીઓને કાર્યસ્થળ પર કેવી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ?
જવાબ : ગુજરાતના વાઈબ્રન્ટ કાર્યસ્થળ જેવા કે, વડોદરા, દહેજ, અંકલેશ્વર, નંદેસરી, સાણંદ, ચાંગોદર, હઝીરા, વાપીથી લઈને અમદાવાદ સુધીના ક્ષેત્રોમાં મનોવૈજ્ઞાનિક પડકારો સર્વોચ્ચ છે, જેના કારણે પ્રોડક્ટિવિટી અને સગવડતાનો નાશ પામે છે. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અંતર્ગત તણાવ, બર્નઆઉટ અને એવર-પર્સિસ્ટન્ટ ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ સૌથી વધુ પ્રચલિત છે.
સવાલ : કાર્યસ્થળે તણાવની શરુઆત કેવી રીતે થાય છે ?
જવાબ : વધારે પડતા કામનું ભારણ, અક્ષમ્ય ડેડલાઈન અને એવું કલ્ચર જ્યાં પ્રત્યેક વસ્તુ અવિરત ઉતાવળમાં જ થતી હોય ત્યાં તણાવ બિનઆમંત્રિત મહેમાન બનીને આવે છે. રોજિંદા અવરોધો જેવા કે, સખત ટ્રાફિકમાંથી પસાર થવું, પારિવારિક જવાબદારીઓથી ઝઝમવું તથા સામાજિક દબાણોના લીધે તણાવને વેગ મળે છે. આ સાથે જો કોઈ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સને જે દરરોજ વડોદરાથી દહેજ સુધી અઢી કલાક મુસાફરી કરીને આવેલા અને રોષે ભરાયેલા કર્મચારીઓથી ભરેલી ફેક્ટરીમાં કાર્ય કરવા કહે તો કાર્યસ્થળ પર તણાવ શરૂ થઇ જાય છે.
સવાલ : શું તમે ગુજરાતના સંદર્ભમાં બર્નઆઉટની અસર વિશે વિગતવાર માહિતી આપી શકો છો ?
જવાબ : બર્નઆઉટ, શાંત ચિત્તે અને છુપા પગે કર્મચારીના જીવનમાં ગુસપેઠ કરીને કર્મચારીને ભાવનાત્મક રીતે હરાવીને, અલગ પાડે છે અને હતાશામાં ધકેલી દે છે. આપણા દેશમાં કાર્યકાળ સાથે જીવનનું સંતુલન જાળવી રાખવું તે ઉચ્ચ મહત્વાકાંક્ષા પૈકી એક માનવામાં આવે છે. વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જળવાઈ નહીં ત્યાં બર્નઆઉટના અસ્તિત્વનો જન્મ થાય છે. જયેશ (નામ બદલેલ છે) વલસાડમાં એક યુનિટમાં એચ.આર પદ હેઠળ કામ કરતો હતો, જ્યાં તેના શેઠને અપેક્ષા હતી કે તે ઘડિયાળમાં ૮ કે ૧૨ કલાક નહીં જુએ પણ ૮ વાગ્યે કાર્ય શરૂ કરશે અને જ્યાં સુધી તેનો શેઠ તેની કેબિનમાંથી ના ખસે ત્યાં સુધી ઓફિસમાં જ રોકાય. વહેલા ઓફિસથી જવાનો અર્થ એ થાય કે, તે તેની નોકરી બાબતે ગંભીર નથી.
સવાલ : ભારતીય વ્યાવસાયિકોમાં ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ કેટલો પ્રચલિત છે ?
જવાબ : ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એટલે પોતાની ક્ષમતા પર શંકા થવી. ઘણા ભારતીય વ્યાવસાયિકો તેમની સિદ્ધિને હાંસલ કરવાની જગ્યાએ તેની અવગણના કરીને નવાને નવા પ્લેટફોર્મ શોધ કરતા હોય છે. શૈક્ષણિક અને વ્યાવસાયિક સિદ્ધિઓને માન આપતા સમાજમાં ખોટો ડોળ જ્યારે બહાર આવીને ઊભરી આવે ત્યારે વ્યક્તિઓને ભારે પડી શકે છે. જે અસુરક્ષા અને આત્મવિશ્વાસને વધારે નબળો બનાવે છે.
સવાલ :મનોવૈજ્ઞાનિક પડકારોને સંસ્થાઓ કેવી રીતે સંબોધિત કરી શકે છે ?
જવાબ : મનોવૈજ્ઞાનિક તકલીફોથી ઝઝૂમી રહેલા લોકો માટે સંસ્થાઓએ કર્મચારીને મદદરુપ થતાં કાર્યક્રમો, કાઉન્સેલિંગ સેવાઓ અને મેન્ટલ હેલ્થ જાગૃતતા જેવા મહત્વપૂર્ણ પગલા ભરવા જોઈએ. પરંતુ, હવે પ્રશ્ન એ છે કે, કઈ સંસ્થા તેમના કર્મચારીઓ માટે આ સેવાઓનું આયોજન કરવા માટે ભાગ ભજવવા તૈયાર છે? વ્યક્તિગત કરેલા કાર્ય તથા ટીમ દ્વારા કરેલા ઊંડાણપૂર્વકના કામનો સ્વીકાર કરીને આ મુદ્દાઓ પર ધ્યાન દોરવું જોઈએ.
સવાલ : તણાવને ઘટાડવા અને બર્નઆઉટને રોકવા અંગે સંસ્થાઓ કેવા સક્રિય પગલાં લઈ શકે છે ?
જવાબ : કર્મચારીઓના તણાવને ઘટાડવા અને બર્નઆઉટને રોકવા માટે સંસ્થાઓએ સક્રિય પગલા જેમ કે ફ્લેક્સિબલ કાર્ય વ્યવસ્થા પર અમલ કરવો, આરામથી પૂર્ણ થઈ શકે તેવા વર્કલોડને પ્રોત્સાહન આપવું, કામના ભારણ વચ્ચે નિયમિત બ્રેક આપવા જેવી વ્યવસ્થાઓ કરવી જોઇએ. આ પ્રકારની વ્યવસ્થાથી ભારતીય કાર્યસ્થળોમાં કાર્ય કરતા કર્મચારીઓમાં પ્રવર્તતી ગૂંગળામણના દબાળને દૂર કરી શકાય છે. લીડરશીપ તે એક યોગ્ય ઉદાહરણ હોય શકે છે, જ્યાં કર્મચારીની સગવડતાને પ્રાધાન્ય તથા હેલ્ધી વર્કલાઈફને પ્રોત્સાહન આપવું જોઈએ. મને જણાવતા ગર્વ થાય છે કે, મેં વરિષ્ઠ એચઆર સાથે કામ કર્યું છે, તેઓ હાલ તેમની કંપનીના ડાયરેક્ટર છે. જેમણે હેલ્ધી વર્કલાઈફને માન આપતા હાલોલ અને ભરુચ જેવા ઔદ્યોગિક કાર્યસ્થળ અંતર્ગત ૬ કાર્ય દિવસની જગ્યાએ માત્ર ૫ કાર્ય દિવસ કાર્ય માટે જાહેર કર્યા છે.
સવાલ : વ્યક્તિઓ કાર્યસ્થળે મનોવૈજ્ઞાનિક પડકારોનો કેવી રીતે સામનો કરી શકે છે?
જવાબ : કર્મચારીએ જાગૃત રહેવું જોઈએ અને કાર્યસ્થળ પર વધતા જતાં કામના ભારણથી બચવા કેટલીક મર્યાદાઓ નક્કી કરવી જોઈએ. પડકારજનક સમયે સહકર્મીઓ, માર્ગદર્શકો અને કાઉન્સેલર્સ પાસેથી મદદ લેવી જોઈએ આ સાથે તેમની પાસેથી અમૂલ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત કરવું જોઇએ. આ સાથે કર્મચારીએ પ્રેક્ટિસ, વ્યાયામ અને શોખ સાથે જોડાયેલા રહેવું જોઇએ. આમ કરવાથી કાર્યસ્થળની સમસ્યાઓ સમક્ષ લડવાની શક્તિ પ્રદાન થશે અને ગૂંચવણભર્યા કાર્ય સમયે સંતુલન જાળવી રાખવામાં મદદ પણ મળશે.
કર્મચારી અને સંસ્થાઓએ પોતાના ડેવલોપમેન્ટ માટે શું કરવું શું ના કરવું તે માટે તેઓ explore.engage.express@gmail.com પર સંપર્ક સાધી શકે છે.