નવી દિલ્હી: લગભગ 11 વર્ષ જુના નરેન્દ્ર દાભોલકર (Narendra Dabholkar) હત્યાકાંડ (Murder) મામલે આજે પુણેની (Pune) વિશેષ અદાલતે કાર્યવાહી કરી હતી. જેમાં નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં અદાલતે બે આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી હતી. તેમજ મુખ્ય આરોપી અને આખા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા આરોપી સહિત ત્રણને નિર્દોશ જાહેર કર્યા હતા.
એક દશક પૂર્વે 20 ઓગસ્ટ 2013ના રોજ જ્યારે પૂણેના રહેવાસી નરેન્દ્ર દાભોલકરપૂણેના ઓમકારેશ્વર બ્રિજ પર મોર્નિંગ વોક પર નીકળી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નરેન્દ્ર દાભોલકર મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ ચળવળનું નેતૃત્વ કરવા માટે જાણીતા હતા. હુમલાખોરોએ દાભોલકર પર એક પછી એક 5 ગોળીઓ ચલાવી હતી, જેમાંથી 2 ગોળી ખોટી રીતે ફાયર થઈ હતી પરંતુ ૩ ગોળી તેમના માથા અને છાતીમાં વાગી હતી. તેમજ તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
દાભોલકરની અંધશ્રદ્ધા સામેની ઝુંબેશ
ઘટનાને અંજામ આપ્યા બાદ બાઇક સવાર હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. દાભોલકરની હત્યા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને સનાતન સંસ્થા વચ્ચેના સંઘર્ષને માનવામાં આવે છે. આ કેસમાં પાંચ લોકોને આરોપી માનવામાં આવ્યા હતા.
વિશેષ સરકારી વકીલ પ્રકાશ સૂર્યવંશીએ ગુરુવારે કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ સંબંધિત કેસ માટે વિશેષ અદાલતના વધારાના સત્રમાં ન્યાયાધીશ એએ જાધવ સંભવતઃ શુક્રવારે ચુકાદો સંભળાવશે. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 20 સાક્ષીઓની પૂછપરછ કરી હતી જ્યારે બચાવ પક્ષે બે સાક્ષીઓની પૂછપરછ કરી હતી. ફરિયાદ પક્ષે પોતાની અંતિમ દલીલોમાં કહ્યું હતું કે આરોપીઓ દાભોલકરના અંધશ્રદ્ધા સામેના અભિયાનના વિરોધમાં હતા.
સીબીઆઈને કેસ મળ્યો
શરૂઆતમાં આ કેસની તપાસ પુણે પોલીસ કરી રહી હતી, પરંતુ બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ 2014માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસનો કબજો લઈ લીધો હતો અને જૂન 2016માં તેને આ કેસ સાથે જોડી દેવામાં આવ્યો હતો. તેમજ આ કેસમાં હિંદુ જમણેરી સંગઠન સનાતન સંસ્થા ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડેની ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષ અનુસાર તાવડે હત્યાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. તેમણે દાવો કર્યો હતો કે સનાતન સંસ્થા દાભોલકરની સંસ્થા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા કરવામાં આવતા કામનો વિરોધ કરે છે. તાવડે અને અન્ય કેટલાક આરોપીઓ આ સંસ્થા સાથે જોડાયેલા હતા.
સીબીઆઈએ તેની ચાર્જશીટમાં શરૂઆતમાં ભાગેડુ સારંગ અકોલકર અને વિનય પવારને શૂટર્સ તરીકે નામ આપ્યા હતા. પરંતુ બાદમાં સચિન અન્દુરે અને શરદ કાલસ્કરની ધરપકડ કરી હતી અને પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેઓએ દાભોલકરને ગોળી મારી હતી.
સમાન પેટર્ન, પરંતુ ઘણી હત્યાઓ
ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ એડવોકેટ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની કથિત સહ-ષડયંત્રકારી તરીકે ધરપકડ કરી હતી. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ષડયંત્ર), 302 (હત્યા), આર્મ્સ એક્ટની સંબંધિત કલમો અને UAPAની કલમ 16 (આતંકવાદી કૃત્યો માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેમજ આ મામલામાં તાવડે, અન્દુરે અને કાલસ્કર જેલમાં છે જ્યારે પુનાલેકર અને ભાવે જામીન પર જેલની બહાર આવ્યા હતા. દાભોલકરની હત્યા પછી, સામ્યવાદી નેતા ગોવિંદ પાનસરે (કોલ્હાપુર, ફેબ્રુઆરી 2015), કન્નડ વિદ્વાન અને લેખક એમ.એમ. કલબુર્ગી (ધારવાડ, ઓગસ્ટ 2015) અને પત્રકાર ગૌરી લંકેશ (બેંગલુરુ, સપ્ટેમ્બર 2017) સહિત ત્રણ અન્ય સમાન કાર્યકરોની પણ હત્યા કરવામાં આવી હતી. તેમજ આ ચારેય કેસમાં ગુનેગારો એકબીજા સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.