National

કેન્દ્ર સરકારે ડૂંગળી પરનો નિકાસ પ્રતિબંધ હટાવ્યો, ખેડૂતોમાં ખુશીની લહેર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને સરકારે શનિવારે ડુંગળીની (Onion) નિકાસ (Export) પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. પરંતુ ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ મેટ્રિક ટન $550 હશે. તેમજ આ પહેલા શુક્રવારે રાત્રે સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી હતી. આ ફી ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પણ લાગુ હતી.

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક નોટિફિકેશન દ્વારા આ માહિતી શેર કરી હતી. તેમજ કહ્યું હતું કે, ‘ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યો છે. આગામી ઓર્ડર સુધી ડુંગળીની નિકાસ $550 પ્રતિ મેટ્રિક ટનના MEP પર કરી શકાશે. સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે બાદમાં લંબાવવામાં આવ્યો હતો.

જો કે પ્રતિબંધ વચ્ચે પણ સરકાર કેટલાક મિત્ર દેશોમાં ડુંગળીની નિકાસ કરી રહી હતી. ગયા મહિને, સરકારે છ પડોશી દેશો – બાંગ્લાદેશ, યુએઈ, ભૂતાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી હતી.

ડુંગળીનું ઉત્પાદન કેટલું થશે?
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે માર્ચમાં ડુંગળીના ઉત્પાદનના આંકડા જાહેર કર્યા હતા. 2023-24માં ડુંગળીનું ઉત્પાદન આશરે 254.73 લાખ ટન રહેવાની ધારણા છે. ગયા વર્ષે લગભગ 302.08 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. પરંતુ, કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે આ વખતે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થશે, જેની અસર કુલ ઉત્પાદન પર જોવા મળશે.

ખેડૂતોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના વિરોધમાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ખુબ વધુ પ્રમાણમાં ડુંગળીનો સ્ટોક હોવા છતાં, સરકાર ડુંગળીની નિકાસને મંજૂરી આપી રહી નથી, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને ખોટો ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર ખેડૂતોની ‘ઘારેલ અવગણના’ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

તે જ સમયે, માર્ચના જથ્થાબંધ ફુગાવાના આંકડા અનુસાર, ડુંગળીના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો હતો. નિષ્ણાતો માને છે કે સરકારે માત્ર ભાવને નિયંત્રિત કરવા માટે ડુંગળીની નિકાસને મંજૂરી આપી ન હતી.

Most Popular

To Top