કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ પાછળ કચરામાં આગ ભભૂકી :
અગાઉ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની બાજુમાં પડેલા કચરાના ઢગમાં ભીષણ આગ લાગી હતી :
( પ્રતિનિધિ ) વડોદરા તા.3
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પાછળના ભાગે કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આ બનાવની જાણ કરવામાં આવતા ફાયબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગની પાછળના ભાગે કચરામાં એકાએક આગ ભભૂકી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ ટોળે વળ્યાં હતા. બનાવની જાણ કરવામાં આવતા તુરત ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું.
નોંધનીય બાબત છે કે, થોડા સમય પહેલા એમ.એસ યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડ પાસે આવેલા હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની બાજુમાં પણ કચરામાં ભીષણ આગ લાગી હતી. અહીં પડેલા કચરાને હટાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કચરો નહીં હટતા કોઈ કારણોસર આગ લાગી હતી તેવી જ રીતે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડિંગ ની પાછળના ભાગે પણ ઘણા સમયથી સાફ-સફાઈનો અભાવ જોવા મળ્યો હતો અને તેવામાં આજે કચરામાં આગ ભભૂકી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા કવાયત હાથધરી છે.