ઓલ ગુજરાત વાલી મંડળ સાથે વાલીઓએ સ્કૂલ ખાતે મોરચો માંડ્યો
વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવાતા વિવાદ, ડીઇઓને રજૂઆત કરી સ્કૂલ સામે કાર્યવાહી કરવા માંગ કરાશે
( પ્રતિનિધિ ) વડોદરા તા.2
વડોદરા શહેરમાં વધુ એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે. બગીખાના વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં એક્ટિવિટી ના નામે રૂ.6,000 ફીની વાલીઓ પાસે માંગણી કરવામાં આવી રહી છે અને જે વાલીઓએ ફી ભરી નથી તેવા વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેતા વડોદરા શહેર ઓલ ગુજરાત વાલી મંડળ ના પ્રમુખની આગેવાની હેઠળ વાલીઓ શાળા ખાતે એકત્ર થઈ આક્રોશ ઠાલવ્યો હતો.
ધોરણ છ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું હતું કે અમારી પાસે વર્ષની એક્ટિવિટી ના નામે ફી માગી રહ્યા છે. એક્ટિવિટી તો હોતી નથી અને એવું કહે છે કે પિકનિકમાં લઈ જાય છે પણ એની તો અલગથી અમારી પાસેથી ફી લેવામાં આવે છે આ સાથે આરટીઇમાં જેણે પ્રવેશ મેળવ્યો છે, તેવા વિદ્યાર્થીઓને અલગ બેસાડી દેવામાં આવે છે. આ ઉપરાંત આ સ્કૂલમાં છોકરા છોકરીઓનું સાથે જ સંડાસ બાથરૂમ છે. નાના બાળકો હોય તો સમજ્યા કે એક સાથે જાય પણ મોટા વિદ્યાર્થીઓ હોય તો છોકરા છોકરી એક સાથે કઈ રીતે જઈ શકે. વિદ્યાર્થીઓને દબાણ પણ ખૂબ જ કરવામાં આવે છે છૂટા ડસ્ટર મારવામાં આવે છે અને ઉપરથી શિક્ષકો એવું કહે છે કે ઘરે જઈને કહેતા નહીં.
વડોદરા શહેર ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે જણાવ્યું હતું કે, ઓલ ગુજરાત વાલી મંડળમાં ફરિયાદ આવી હતી કે આ શ્રેયસ સ્કુલ બગીખાના ખાતે આવેલી છે. જેમાં આરટીઈમાં જે એડમિશન થયા છે તેવા વિદ્યાર્થીઓ પાસે એક્ટિવિટી ના નામે પૈસા માંગી રહ્યા છે. પહેલા તો સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે તમે જે ફ્રી શાળાને આપો છો એમાં બધું આવી ગયું છે. જેમાં શાળામાં કરાવાતી તમામ પ્રવૃત્તિ સાથે થઈને તમે ફી આપો છો અને ના આપતા હોય તો કોઈ જબરજસ્તી નથી કે વાલીઓએ ફી આપવી જ પડે, સ્માર્ટ ક્લાસરૂમ ના નામે પણ વાલીઓ પાસેથી પૈસા માંગી રહ્યા છે. અંદરના જે શિક્ષકો છે એ છોકરાઓને એવા શબ્દો વાપરે છે કે તમારી તાકાત જ નથી તો શું કરવા તમારા વાલી અહીંયા ભણાવે છે. ઠંડીના સમયે એક વિદ્યાર્થીએ બીજું સ્વેટર પહેરેલું હતું તો શિક્ષકે કીધું કે તમે ફ્રીમાં ભણો છો અને સ્વેટર નથી લાવી શકતા આવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત પરિણામ રોકવું એક કોઈ સંજોગોમાં રોકી ન શકાય. મેં ડીઈઓ સાથે પણ આ રજૂઆત કરવાનો છું કે કાયદેસરની કાર્યવાહી કરો. ઝુંબેશ ચલાવો કે આરટીઈમાં જેટલા પણ છોકરાઓ ભણતા હોય એમને આવી રીતે હેરાનગતિ ન થાય બાળકને અલગ અલગ બેસાડવામાં આવે છે અને એક્ટિવિટીમાં લઈ નથી જતા, ફક્ત પૈસાથી મતલબ છે. સરકાર બેઠા બેઠા પૈસા આપી દે છે આરટીના નામ પર પણ એની અંદર જે વ્યવહાર થયો છે સરકારને ખબર નથી. મારી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ વિનંતી છે કે આ એક સ્કૂલનો મુદ્દો નથી. આવી રીતે જે તકલીફ થઈ રહી છે તો વાલીઓને ન્યાય મળે એવા કડક પગલાં ભરવા જોઈએ.