Charotar

વિદ્યાનગર તરફ જતાં માર્ગો પ્રતિબંધિત જાહેર કરાયાં

વિદ્યાનગરમાં વડાપ્રધાનની જાહેરસભાને લઇ આણંદ, વિદ્યાનગર અને કરમસદના માર્ગો પ્રતિબંધિત કરાયાં

સવારના છથી બપોરના ચાર કલાક સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે

વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાનાર છે. આ જાહેરસભામાં આણંદ – ખેડા જિલ્લાના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે. બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા વિદ્યાનગર તરફના માર્ગો સવારના છથી સાંજના ચાર વાગ્યા સુધી પ્રતિબંધિત જાહેર કર્યાં છે અને તેના સાથે ટ્રાફિક વ્યવસ્થા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે 2જી મેને ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાહેર સભા યોજશે. આ પહેલા કરમસદના શક્તિનગર હેલીપેડ ખાતે હેલીકોપ્ટર મારફત વધારી રોડ માર્ગે શાસ્ત્રી મેદાન પહોંચશે. આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તથા સુરક્ષાની દૃષ્ટિએ આણંદ શહેર, તાલુકાના કેટલાક માર્ગો 2જીના રોજ સવારના છથી બપોરના 4 કલાક સુધી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ મુકવામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇએ પ્રતિબંધ મુક્યો છે અને તેના સ્થાને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરી છે.

આ જાહેરનામા મુજબ, આણંદ શહેરથી સોજીત્રા રોડ તરફ આવવા જવાનો રોડ બંધ રહેશે. તેના બદલે વાહનચાલકો આણંદથી એલીકોન સર્કલ ચાર રસ્તા થઈ જીઆઈડીસી થઈ કરમસદ રેલવે સ્ટેશન થઈ બળીયાદેવ ચોકડી થઈ સોજીત્રા તરફ જઇ શકશે. આજ રીતે સોજીત્રા તરફથી આણંદ શહેર તરફ આવવા જવાનો રોડ બંધ રહેતા આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો બળીયાદેવ ચોકડી થઈ કરમસદ રેલ્વે સ્ટેશન થઈ જીઆઈડીસીથી એલીકોન સર્કલ ચાર રસ્તા થઈ આણંદ શહેર તરફ જઇ શકશે.

વડતાલ-બાકરોલ તરફથી વિદ્યાનગર તરફ આવવા જવાનો રસ્તો બંધ રહેશે. જેથી વાહનચાલકો વિધાનગર ત્રિકોણીયા બાગ થઈ સંકેત ચાર રસ્તા થઈ 80 ફૂટ રોડ થઈ એપીસી સર્કલ થઈ વિદ્યાનગર જઈ શકશે.  આણંદ-વિદ્યાનગર રોડ એપીસી સર્કલથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેશે. તેના બદલે વાહનચાલકો એપીસી સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય થઈ યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર જઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Most Popular

To Top