નવી દિલ્હીઃ અનામતને (Reserves) લઈને ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને FIR નોંધવામાં આવી હતી. આ FIR ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો (Fake video) ફેલાવનારા લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.
જણાવી દઇયે કે આ ફેક વીડિયોને લઈને ખોટી માન્યતા ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે SC, ST અને OBC અનામત હટાવવાની વાત કરી હતી. જ્યારે વાસ્તવમાં અમિત શાહે આવું કશું જ કહ્યું ન હતું.
વાસ્તવમાં ગૃહ મંત્રી અમિત શાહનો એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં શાહ દ્વારા એવું દર્શાવવામાં આવી રહ્યું હતું કે જો ભાજપની સરકાર બનશે તો તેઓ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST)ને મદદ કરશે. અને પછાત વર્ગોના ‘ગેરબંધારણીય અનામત’નો અંત લાવશે.
જ્યારે વાસ્તવિકતા એ છે કે આ એક નકલી અને એડિટેડ વીડિયો છે. શાહે એવું કશું કહ્યું નહીં. તેના બદલે અમિત શાહ કહેતા હતા કે જો ભાજપની સરકાર બનશે તો અમે ગેરબંધારણીય મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું. અમિત શાહને એવું કહેતા સાંભળી શકાય છે કે તેલંગાણાના SC, ST અને OBC સમુદાયો આ તકના હકદાર છે અને મુસ્લિમ આરક્ષણને ખતમ કરીને તેમને આ અનામત આપવામાં આવશે.
આ વીડિયો ઘણી યુટ્યુબ ચેનલો પર પણ પોસ્ટ કરવામાં આવે છે, જેમાં અમિત શાહ સ્પષ્ટપણે મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. તેમણે SC, ST અને OBC માટે અનામત હટાવવાની વાત નથી કરી. એટલે કે અમિત શાહની જે વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે જુની છે અને તેને એડિટ કરીને વાયરલ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. અમિત શાહે એસસી, એસટી અને ઓબીસી અનામત ક્વોટા નાબૂદ કરવાની હાકલ કરી તેવો દાવો ખોટો છે.
અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર આરોપ લગાવ્યો
બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 27 એપ્રિલે ફેસબુક પર તેલંગાણા કોંગ્રેસ દ્વારા શેર કરાયેલ આ નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે તેલંગાણા કોંગ્રેસ સંપાદિત વીડિયો ફેલાવી રહી છે, જે સંપૂર્ણપણે નકલી છે. તેના કારણે મોટાપાયે હિંસા થવાની આશંકા છે. તેમણે વધુમાં કહ્યું કે આ ફેક વીડિયો ઘણા કોંગ્રેસના નેતાઓએ શેર કર્યો છે, હવે તેઓ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.