National

રાજનાથ સિંહે લખનૌમાં ઉમેદવારી નોંધાવી, પુષ્કર સિંહ ધામી સહિત યોગી પણ રહ્યા હાજર

નવી દિલ્હી: રક્ષા મંત્રી (Minister of Defence) અને બીજેપી નેતા રાજનાથ સિંહ (Rajnath Singh) આજે 29 એપ્રિલના રોજ લખનૌ લોકસભા સીટ પરથી ઉમેદવારી (Candidacy) નોંધાવી હતી. તેમની સાથે નામાંકન દાખલ કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ભાજપ ઉત્તર પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ હાજર રહ્યા હતા.

ત્રીજી વખત લખનૌથી લોકસભા સાંસદ તરીકે ચૂંટણી લડી રહેલા રાજનાથ સિંહે 2014માં લખનૌથી તેમની પ્રથમ ચૂંટણી લડતા પહેલા 2009માં ગાઝિયાબાદથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમજ 2024ની સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં લખનૌમાં 20 મેના રોજ 13 અન્ય મતવિસ્તારો સાથે મતદાન થશે. જેના ભાગરુપે ભાજપાના ઉમ્મેદવાર રાજનાથ સિંહ પોતાનું નામાંકન દાખલ કર્યું હતું.

લખનૌથી બીજેપી ઉમેદવાર રાજનાથ સિંહ પહેલા બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીંથી તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને અન્ય નેતાઓ સાથે પાર્ટી કાર્યાલયથી પાર્ટી રથ પર રવાના થયા હતા. નામાંકન પહેલા રાજનાથ સિંહે લખનૌના હનુમાન સેતુ મંદિરમાં પૂજા કરી હતી. તેમણે ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને હનુમાન મંદિરના દર્શન કર્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક સહિત ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા.

લખનૌ લોકસભા મતવિસ્તાર
લખનૌ ઉત્તર પ્રદેશના લોકસભા મતવિસ્તારોમાંથી એક છે. રાજ્યમાં 80 સંસદીય બેઠકો છે. લખનૌ બેઠકમાં પાંચ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં લખનૌ પશ્ચિમ, લખનૌ ઉત્તર, લખનૌ પૂર્વ, લખનૌ મધ્ય અને લખનૌ કેન્ટનો સમાવેશ થાય છે. આ મતવિસ્તારમાં ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી મુખ્ય પક્ષો છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજનાથ સિંહે 347,302 મતોના માર્જિનથી અહીંથી સીટ જીતી હતી. રાજનાથ સિંહને 57.00 ટકા વોટ શેર સાથે 633,026 વોટ મળ્યા અને SPના પૂનમ શત્રુઘ્ન સિંહાને હરાવ્યા હતા. જેમને 285,724 વોટ (25.57 ટકા) મળ્યા હતા.

Most Popular

To Top