મંગળસૂત્ર બાદ હવે વારસાગત મિલકતના ટેક્સ બાબતે હંગામો, સામ પિત્રોડાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન – Gujaratmitra Daily Newspaper

National

મંગળસૂત્ર બાદ હવે વારસાગત મિલકતના ટેક્સ બાબતે હંગામો, સામ પિત્રોડાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી: ભારતમાં (India) અમીર અને ગરીબ વચ્ચેના અંતરની વારંવાર ચર્ચા થાય છે અને રાજકીય પક્ષો (Political Party) તેમની વિચારધારા અનુસાર આ મુદ્દાઓ ઉપર નિવેદનો આપતા રહે છે. તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Indian National Congress) દેશની કેન્દ્ર સરકાર પર અમીરોમાં રસ ધરાવતી પાર્ટી હોવાનો આક્ષેપ કરતી રહે છે. હવે આ મુદ્દે પાર્ટીના એક મોટા નેતાએ મોટું નિવેદન આપ્યું છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ (Sam Pitroda) ભારતમાં અમીરોની સંપત્તિને લઈને એક નિવેદન આપ્યું છે.

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ યુએસએના શિકાગોમાં જણાવ્યું હતું કે, “અમેરિકામાં વારસાગત મિલકત ઉપર પણ ટેક્સ લેવામાં આવે છે. જો કોઈની પાસે $100 મિલિયનની મિલકત હોય અને જ્યારે તે મૃત્યુ પામે છે, તો તે ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે. 55 ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. પિત્રોડા કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ – બધી નહીં, પરંતુ અડધી. મને આ ન્યાયી કાયદો ગમે છે.

સેમે આગળ કહ્યું – જો કે, તમારી પાસે ભારતમાં આ કાયદો નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ છે અને તે મૃત્યુ પામે છે, તેના બાળકોને 10 અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું… તેથી લોકોએ આવા મુદ્દાઓ પર બહેસ અને ચર્ચા કરવી પડશે.

મને ખબર નથી કે આ મુદ્દાનો અંતે શું નિષ્કર્ષ નીકળશે પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે અને માત્ર અતિ શ્રીમંતોના હિતમાં નથી.”

કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટો અંગે આપી સ્પષ્ટતા
સામ પિત્રોડાએ કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટો અંગે સ્પષ્ટતા કરતા પિત્રોડાએ કહ્યું કે, કોઈના ઘરેથી કંઈ લેવાશે નહીં. પિત્રોડાએ કહ્યું કે આ એક નીતિ વિષયક મેનિફેસ્ટો છે. કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેના દ્વારા સંપત્તિનું વિતરણ વધુ સારી રીતે કરી શકાશે. આજે ભારતીય લોકો પાસે લઘુત્તમ વેતનની નીતિ નથી. આ નીતિથી ભઅરતીયોને ખુબ ફાયદો થશે. તેમજ જો તમારે ગરીબો માટે તમારી સંપત્તિનો થોડો હિસ્સો આપવો પડે તો તેમાં કંઇ ખોટું નથી.

Most Popular

To Top