ડેપો આખું ફેંદી વાળ્યું પણ ક્યાંય વ્હીલચેર ના મળી :
પત્નીને પગે ફેક્ચર હોવાથી બસ સુધી લઈ જવા માટે પતિને વેઠવી પડી હાલાકી :
( પ્રતિનિધિ ) વડોદરા તા.22
GSTRTCની સ્લિપર કોચની ટીકીટ બુક કરાવ્યા બાદ વડોદરાથી મુંબઈ જવા માટે પોતાની પત્ની અને પુત્રીને સેન્ટ્રલ ડેપો મુકવા ગયેલા પતિને ડેપોમાં સુવિધાના અભાવે કડવો અનુભવ થયો હતો. જેને લઈ તેઓએ તેમની સાથે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે વેદના વ્યક્ત કરી બીજા યાત્રીઓ સાથે આવું ન થાય તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું.
વડોદરામાં રહેતા સંદીપ દેવરેની પત્ની પલ્લવી દેવરે અને પુત્રીને મહારાષ્ટ્ર જવાનું હોવાથી તેમણે GSRTCની સ્લિપર કોચમાં ટીકીટ બુક કરાવી હતી. પણ તેમની પત્નીને પગમાં ક્રેક , ( ફેક્ચર ) હોવાથી અને બસ રાત્રી દરમિયાન ઉપડવાની હોય જેથી સંદીપભાઈ તેમની પત્ની અને પુત્રીને મુકવા માટે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે મુકવા માટે ગયા હતા. પરંતુ સિક્યુરિટી પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા બાદ તેમને પોતાની ઈજાગ્રસ્ત પત્નીને બસ સુધી મુકવા માટે વ્હીલ ચેર નહિ મળતા તેમને કડવો અનુભવ થયો હતો.
પોતાને પડેલી મુશ્કેલી અંગે જણાવતા સંદીપ દેવરેએ જણાવ્યું હતું કે મારી ધર્મપત્નિને વડોદરાથી મહારાષ્ટ્ર જવાનું હતું.જેથી એસટી ડેપો ખાતે હું મારી પત્ની અને પુત્રીને લઈને અમે પહોંચ્યા હતા. જ્યાં સિક્યુરિટી ગેટ પાસે પાહીચી ત્યાં મેં સિક્યુરિટી વાળાને પૂછ્યું હતું કે તમારી પાસે વ્હીલચેર છે તો હું મારી ધર્મપત્નિને જ્યાં સુધી બસ આવે છે ત્યાં સુધી તેને બેસાડી લઈ જઈ શકું. તો એમનું કહેવું છે કે વ્હીલ ચેર એકવાર લઈ જવાય છે તો બીજી વખત અંદર મુકવામાં નથી આવતી. જાતે જઈને શોધી લો તેમ જણાવતા, મેં બધી જગ્યાએ શોધીને આવ્યો પણ મને વ્હીલચેર કોઈ જગ્યા પર મળી ન હતી. મેં પરત સિક્યુરિટી પાસે આવ્યો અને વિનંતી કરી હતી કે મને તમે જેની પર સામાન મૂકીને લઈ જઈએ છીએ ટ્રોલી જો એ આપી શકતા હોય તો પણ ચાલશે. તો એમાં બેસાડી હું મારી પત્ની ને લઈ જઈ શકું. તો એમનું કહેવું છે કે અમને એની પરવાનગી નથી. હું માનું છું કે પહેલા ડેપોમાં એટલી બધું સુવિધાઓ ન હતી. જ્યારે હવે સુવિધાઓ વધારવામાં આવી છે આટલું મોટું સેન્ટ્રલ ડેપો બનાવવામાં આવ્યું છે. પણ એમાં પણ ઘણી બેદરકારી છે. કોઈ સિનિયર સીટીઝન આવે છે કોઈ દિવ્યાંગ હોઈ તો તેવા લોકો માટે ખાસ વ્હીલ ચેર મુકવી જોઈએ. કારણકે મારી પત્નીને પગમાં ક્રેક છે ફેક્ચર છે હું મારી રીતે એને લઈને આવ્યો પણ જો કોઈ સિનિયર સીટીઝન હોય તો એ કેવી રીતે આવી શકશે. જેથી કોઈ બીજાને અગવડતા ન પડે તે માટે અહીં સુવિધા ઉપલબદ્ધ કરવી જોઈએ. નોંધનીય છે કે વડોદરાના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે ખાસ આરામ રૂમ, દિવ્યાંગજનો માટે વ્હીલ ચેર, લિફ્ટ , મેડિકલ ઇમર્જન્સી માટે સ્ટ્રેચર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પણ અહીં લાખો કરોડો રૂપિયાના ખર્ચે સેન્ટ્રલ એસટી ડેપોનું નવનિર્માણ કરવામાં આવ્યું પરંતુ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે. આ સેન્ટ્રલ એસટી ડેપો હોવાથી વડોદરા શહેર જિલ્લા ગુજરાત રાજ્ય સહિત રાજ્ય બહારથી પણ સેંકડો મુસાફરો અહીંથી મુસાફરી કરતા હોય છે. ત્યારે આ ડેપોમાં સુવિધાના અભાવે મુસાફરો હાલાકી વેઠવા મજબુર બન્યા છે.