વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બાદ અમિત નગર સર્કલ ખાતે સન્નાટો
ટ્રાફિક પોલીસની સામેજ સોમા તળાવ ચાર રસ્તા ખાતે ઈકો ગાડીના ચાલકોના મુસાફરો ભરી ફેરા મારવાનું યથાવત :
( પ્રતિનિધિ ) વડોદરા તા.18
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 10ના મોત બાદ બીજા દિવસે અમિતનગર સર્કલ ખાતેથી ખાનગી વાહનોમાં શટલ મારતા મોતના સોદાગરો ફરકયા ન હતા. માત્ર મુસાફરી કરવા માટે જઈ રહેલા મુસાફરો જ જોવા મળ્યા હતા. બીજી તરફ સોમાતળાવ ચાર રસ્તા પાસે પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી. ઈકો કારમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી ફેરા મારતા ચાલકોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો.
અમિતનગર સર્કલ સન્નાટો અને સોમાતળાવ નંબર વગરની ઈકો ગાડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરી ચાલકોના ફેરા
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભેલી ટેન્કરમાં ઘુસી જતા અર્ટિકા કારમાં સવાર 10 મુસાફરોના મોત નિપજ્યા હતા. આ બનાવે ભારે અરેરાટી ફેલાવી દીધી હતી. વાત વાયુવેગે પ્રસરતા વડોદરા શહેરમાં પણ ખાનગી ફીરામ મારતા વાહન ચાલકો છુમંતર થઈ ગયા હતા. વડોદરા શહેરના અમિત નગર સર્કલ, દુમાડ ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં ખાનગી વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડી ફેરા મારતા ચાલકો બેફામ બન્યા છે. જેમની ઉપર ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમનજર હોવાથી આજદીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા બુધવારે આવા ચાલકોના પાપે 10 નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ બીજા દિવસે અમિત નગર સર્કલ ખાતે એક પણ ખાનગી વાહન ચાલકો જોવા મળ્યા ન હતા માત્ર મુસાફરો જ જોવા મળ્યા હતા. જોકે આ સન્નાટો માત્ર થોડા દિવસ જ જોવા મળશે. બાદમાં પરિસ્થિતિ જે સે થે જ થઈ જશે. તો બીજી તરફ સોમા તળાવ ચાર રસ્તા પાસે ઇકો કારમાં ક્ષમતા વિના વધુ મુસાફરો બેસાડી ફેરા મારતા ચાલકો નજરે પડ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારી પણ સ્થળ પર હાજર હોવા છતાં પણ આવા ચાલકો બિનદાસ્ત મુસાફરો બેસાડી ફેરા મારી રહ્યા હતા. જેને લઈ ટ્રાફિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં જોવા મળી હતી.