નવી દિલ્હી: સોમવારની મોડી રાતથી મંગળવાર સવાર સુધી UAEના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આખા રેગિસ્તાન (Desert) વાળા પ્રદેશના હાલ બેહાલ જોવા મળ્યા હતા. તેમજ આખા દેશની સ્થિતિ ગંભીર જોવા મળી હતી. તેમજ રાજધાની દુબઈમાં (Dubai) ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
અતિવૃષ્ટિના કારણે દુબઈની શેરીઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે દુબઇના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી હતી. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું અને લોકોને ‘સતર્ક’ રહેવાની અપીલ કરી હતી. તેમજ બે દિવસના ભારે વરસાદ બાદ અતિવૃષ્ટિના કારણે બુધવારે સાંજે 6 વાગ્યા સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
દુબઇ અને ઓમાનમાં વરસાદનો કહેર
દુબઈ ઉપરાંત ઓમાનમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી હતી. અહીં વરસાદના કારણે 18 લોકોના મોત થયા હતા. આ સિવાય અબુ ધાબી અને અલ આઈન જેવા શહેરોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા મોટા રાજમાર્ગો અને એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે હવાઈ અવરજવર પર ખરાબ અસર પડી હતી. ભારે વરસાદને કારણે ઘણા લોકો ગુમ પણ થયા હતા.
લોકોને આપવામાં આવેલી સલાહ
દુબઇની મીડિયાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ બુધવાર સુધી દુબઈ, અબુ ધાબી અને શારજાહ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ રાષ્ટ્રીય હવામાન કેન્દ્રમાં કામ કરતા અહેમદ હબીબે જણાવ્યું હતું કે, “દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે.”
આ સાથે જ હવામાન વિભાગ દ્વારા લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર, સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ વરસાદના કારણે લોકોને મસ્જિદને બદલે ઘરે જ નમાઝ અદા કરવા કહેવામાં આવ્યું છે અને અધિકારીઓએ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર જવાની સલાહ આપી છે.
ભારે વરસાદ અને તોફાનને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી દેખાઈ રહ્યું હતું. તેમજ 50 થી વધુ ફ્લાઈટો પણ રદ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું કે આ સમસ્યા ગંભીર તોફાનના કારણે થઈ હતી પરંતુ હવે તે રિકવરી મોડમાં છે.
ફક્ત એરપોર્ટ જ નહીં પરંતુ અતિવૃષ્ટિના કારણે દુબઈ મેટ્રોની રેડ લાઈન સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. ઘણા મેટ્રો સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા હતા. દુબઈથી અબુ ધાબી, શારજાહ અને અજમાનની બસ સેવા પણ રોકી દેવામાં આવી હતી. સ્થિતિ એવી બની કે મોટા શોપિંગ સેન્ટરો, દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાતમાં પણ પાણી ભરાઈ ગયા હતા.