શો રૂમના પહેલા અને ત્રીજા માળે આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા
જીઆઈડીસી સહિત અન્ય ફાયર સ્ટેશનના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા
મકરપુરા વિસ્તારમાં આવેલા કટારીયા ઓટો મોબાઈલ મારુતિ સુઝુકી અરેના શો રૂમમાં વહેલી સવારે 5 વાગ્યે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જોકે શો રૂમ બંધ હોવાથી કાંચ તોડી ફાયર બ્રિગેડના જવાનોએ અંદર પ્રવેશ કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કામગીરી હાથધરી હતી.
મકરપુરા વિસ્તારમાં કટારીયા ઓટોમોબાઇલ્સમાં વહેલી સવારે આગ લાગી હતી. કટારીયા ઓટોમોબાઇલ્સમાં મારુતિ કારનો શો રૂમ આવેલો છે. શોરૂમ ના પહેલા અને ત્રીજા માટે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા જીઆઈડીસી ફાયર સ્ટેશન સહિત નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાયટરો બોલાવાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથધર્યો હતો. આગમાં પ્રથમ માળે કોમ્પ્યુટર અને ફર્નિચરનો સામાન આગમાં લપેટાયો હતો. આગની ઘટનામાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે. સદ નસીબે કોઈ જાનહાનિ નહિ થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે મકરપુરા વિસ્તારમાં કટારીયા શોરૂમ છે. મારુતિનો જે શોરૂમ છે જેમાં સવારે મળસ્કે પાંચ વાગે આગ લાગી હતી. તરત જ જીઆઇડીસી ફાયર સ્ટેશનથી કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા સાથે સાથે વાહનો અને અન્ય કર્મચારીઓની જરૂરિયાત જણાતા બીજા સ્ટેશનથી પણ વાહનો અને કર્મચારીઓ મંગાવ્યા હતા. શોરૂમમાં પ્રથમ માળે અને ત્રીજા માટે આગ છે. પાંચ વાગ્યાથી આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. જે હાલ પણ ધુમાડા નીકળી રહ્યા છે. ફાયર ફાયટરો શો રૂમમાં ઘુસી ગયા છે અને જ્યાં જ્યા આગ તેમજ ધુમાડા છે ત્યાં જઈને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.