National

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહને આંચકો, સુપ્રીમે અરજી ફગાવી, જાણો શું છે મામલો?

નવી દિલ્હી: દારૂ નીતિ કેસમાં (Liquor policy case) જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને સોમવારે 8 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માનહાનિ કેસમાં સંજય સિંહની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે.

સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. સંજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી ઉપર ટિપ્પણી કરી હતી. અગાવ ગુજરાત હાઈકોર્ટે સંજય અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ‘જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​ફરિયાદ પર ટ્રાયલ કોર્ટ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. જેને હવે સુપ્રિમે ફગાવી દીધી છે.

અગાવ સંજય સિંહ અને કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પછી નીચલી કોર્ટ દ્વારા AAP સાંસદને તેમની હાજરી માટે વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા હતા.

સંજય સિંહના નિવેદનમાં બદનક્ષી જેવું કંઈ નથીઃ વકીલ
સંજય સિંહ વતી કોર્ટમાં હાજર થયેલી રેબેકા જ્હોને કહ્યું હતું કે સંજય સિંહે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. તેમણે દલીલ કરી હતી કે, “વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે નિવેદન યુનિવર્સિટીની બદનક્ષી કરતું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી છે.” જેના કારણે સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સમન્સ રદ કરવાની વિનંતી કરી હતી.

જેના પર કોર્ટે કહ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે. તેમજ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા AAP સાંસદની અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. વાસ્તવમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા માનહાનિના કેસમાં સંજય સિંહને સમન્સ મોકલવામાં આવ્યા હતા.

Most Popular

To Top