અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાતાં ટ્રાફિક જામ
ટ્રેલરની કેબીનનો કચ્ચરઘાણ વળી જતાં ચાલકને બહાર કાઢવા આણંદ ફાયર બ્રિગેડની મદદ લેવાઇ
નડિયાદ પાસેથી પસાર તથા એક્સપ્રેસ વે પર રવિવારની વ્હેલી સવારે પુરપાટ ઝડપે જતી ટ્રેલર આગળ જતી ટ્રક સાથ સાથે ધડાકાભેર અથડાતાં ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેલર ચાલક કેબીનમાં ફસાઇ જતાં આણંદ ફાયર બ્રિગેડની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
રાજસ્થાન રહેતા રામકુંવર નંદલાલકુમાર કુંભાર (પ્રજાપતિ) ડ્રાઈવીંગનો વ્યવસાય કરે છે. તેઓ ટ્રેલર નં.આર.જે 09 જીબી 6107 પર ડ્રાઈવીંગ કરે છે. તેની સાથે ક્લીનર તરીકે રાજસ્થાનના ઓરણા ગામનો સોનુ બે મહિનાથી ફરજ બજાવે છે. દરમિયાનમાં 30મી માર્ચના રોજ રામકુંવર અને સોનુ ટ્રેલર લઇને મોરબીથી મીઠુ ભરીને ઝઘડીયા મુકામે ખાલી કરવા સાંજના નિકળ્યાં હતાં. તેઓ મોરબીથી અમદાવાદ થઈ વડોદરા વાળા રૂટ પર થઇ નિકળ્યાં હતાં. તેઓ 31મીની વ્હેલી સવારે પાંચેક વાગે પ્રથમ લાઇનમાં ગાડી ચલાવતા હતાં, તે સમયે એકાએક ગાડીમાં ધડાકાનો અવાજ સંભળાયો હતો અને ત્યાં જ બંધ પડી ગઇ હતી. આથી, ગાડીને સાઇડ લાઇનમાં લેવા પ્રયત્ન કરતાં તે ખસતી જ નહતી. આથી, નીચે ઉતરી જતાં ગાડીના નીચેના ભાગે આવેલો સાપટ તુટી ગયો હતો. હજુ તેઓ કંઇ નિર્ણય લે તે પહેલા જ પાછળથી પુરપાટ ઝડવે આવતી અન્ય ટ્રેલર અથડાયું હતું અને તેની કેબીનનો આખો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. આ ઘટનાના પગલે હાઈવે પેટ્રોલીંગની ગાડી આવી પહોંચી હતી. જોકે, અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલકની કેબીનનો બુકડો બોલી ગયો હોવાથી કટરની મદદથી કાપી બહાર કાઢ્યો હતો. જોકે, તે પહેલા તેનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ચકલાસી પોલીસે ટ્રક નં.જીજે 12 બીએક્સ 6831ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.