પુત્રવધુને મારથી બચાવવા વચ્ચે પડેલા માતાને પણ છરી બતાવી ધમકી આપી
નડિયાદ :નડિયાદના શાંતિફળીયામાં રહેતા શખ્સે રાજા પાઠમાં આવી પત્નીને મારમારવા લાગ્યો હતો. આ ઝઘડામાં તેના માતા વચ્ચે પડતાં તેને પણ છરી બતાવી ધમકી આપી હતી. આ અંગે નડિયાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
નડિયાદના અમદાવાદી બજારમાં આવેલા શાંતિ ફળીયામાં રહેતા તરૂણાબહેન બોશીયાના લગ્ન 2007માં રમેશ વિઠ્ઠલ બોશીયા સાથે થયાં હતાં. આ લગ્નજીવનમાં તેમે ત્રણ સંતાનોનો જન્મ પણ થયો હતો. આ લગ્નજીવન શાંતિથી ચાલતું હતું. પરંતુ છેલ્લા ત્રણ – ચાર વર્ષથી રમેશ દારૂ પીવાની લતે ચડી ગયો હતો. તેઓ દારૂ પી આવી અવાર નવાર નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારઝુડ કરવા લાગ્યો હતો. આથી, કંટાળી તરૂણાબહેન સંતાનો સાથે તેમના મોટા બહેન મધુબહેનના ઘરે જતાં રહ્યાં હતાં. પરંતુ સંસાર બગડે નહીં તે માટે સમજાવી પરત આવતાં રહેતાં હતાં. પરંતુ રમેશ થોડા દિવસ સારૂ રાખ્યાં બાદ ફરી દારૂ પી આવી ઝઘડા કરી મારઝુડ કરવા લાગ્યો હતો.
દરમિયાનમાં 25મી માર્ચના રોજ ધુળેટીના દિવસે રાત્રિના આશરે નવેક વાગે રમેશ દારૂ પી ઘરે આવ્યો હતો અને અપશબ્દ બોલવા લાગ્યો હતો. જેથી તરૂણાબહેને તેને ઠપકો આપ્યો હતો અને દિકરી મોટી થઇ ગઇ છે, તેથી અપશબ્દ બોલશો નહીં. તેમ જણાવ્યું હતું. આથી, રમેશ ઉશ્કેરાઇ ગયો હતો અને તરૂણાબહેનના માથાના વાળ પકડી નીચે પાડી લાતો મારવા લાગ્યો હતો. આ મારથી છોડાવવા દિકરી હિરલ વચ્ચે પડી હતી. તો તેને પણ મારમારવા લાગ્યો હતો. આથી, રમેશના માતા નાગલબહેન છોડાવવા પડતાં તેને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઝઘડામાં 26મી માર્ચ રાત્રિના બે વાગ્યા સુધી કોઈને ઉંઘવા દીધા નહતાં. વ્હેલી સવારે તરૂણાબહેન તેમના ત્રણેય સંતાનો સાથે અમદાવાદ તેમના બહેનના ઘરે જતાં રહ્યાં હતાં. આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રમેશ વિઠ્ઠલ બોશીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદમાં રાજાપાઠમાં આવી પતિએ પત્નીને મારમાર્યો
By
Posted on