નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રકના કાટમાળમાં ચાલક દબાયો
(પ્રતિનિધિ) આણંદ તા.29
આણંદ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવતાં વાસદ પાસે રસ્તા પરથી ઉતરી ગઇ હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં આગલની કેબીન સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત બની હતી અને તેમાં ચાલક ફસાઇ ગયો હતો. જેને ફાયર બ્રિગેડને મદદથી બહાર કાઢ્યો હતો. જોકે, તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
તમીલનાડુના ઇરોડમાં રહેતો મારીમુથ્થુ ક્રિશનન કોંગુવેલાલર ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. તે દોઢેક વર્ષથી એસ.કે. સામી લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાં ફરજ બજાવે છે. તેની સાથે પાંચેક મહિનાથી કુમાર પી. પુથરી ગૌંડર (ઉ.વ.44, રહે. મેટુર, જિ. સેલમ, તામીલનાડુ) ડ્રાઈવીંગ કરતો હતો. દરમિયાનમાં 24મી માર્ચના રોજ મારીમુથ્થુ અને કુમાર પી પુથરી ગૌંડર તમીલનાડુથી એસ.કે. સામી લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટની ટ્રકમાં મેંગો જ્યુસ ભરી ખેડાથી અમદાવાદ હાઈવે પર આવી કોકો કોલા કંપનીમાં જ્યુસ ખાલી કર્યું હતું. બાદમાં 27મીના રોજ ઉપરોક્ત ટ્રકમાં માણસાથી ટાઇલ્સ ભરી અમદાવાદથી તમીલનાડુ તરફ જવા નીકળ્યાં હતાં. ખેડા ટોલનાકા સુધી મારીમુથ્થુએ ટ્રક ચલાવી હતી.
બાદમાં કુમાર પી. પુથરી ગોંડરે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું હતું. રાતના સવા નવેક વાગ્યાની આસપાસ અમદાવાદથી વડોદરા તરફના નેશનલ હાઈવે પર રામનગર ઓવરબ્રિજથી આગળ જતાં અચાનક કુમારનો સ્ટેરીંગ પરનો કાબુ રહ્યો નહતો અને ટ્રક ડાબી તરફ રોડની ધારે ઉતારી સીધી ઝાડ સાથે અથડાવી દીધી હતી. અચાનક સર્જાયેલા અકસ્માતમાં મારીમુથ્થુ ટ્રકમાંથી નીચે પડી ગયો હતો, જેના કારણે કપાળમાં ઇજા પહોંચી હતી. જ્યારે ટ્રક ઝાડ સાથે અથડાતાં કેબીનનો બુકડો બોલી ગયો હતો. જેમાં ચાલક કુમાર ફસાઇ ગયો હતો અને બુમાબુમ કરી મુકી હતી. આથી, આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, ચાલક બહાર કાઢવો મુશ્કેલ હતો. આથી, ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ટીમ પહોંચી હતી અને કેબીનનો ભાગ કાપી બહાર કાઢ્યો હતો. જોકે, ડોક્ટરે તપાસતા કુમારનું મોત નિપજ્યું હતું. આ અંગે મારીમુથ્થુએ વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કુમાર પી. પુથરી ગોંડર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાસદ પાસે ઝાડ સાથે ટ્રક અથડાતાં ચાલકનું મોત
By
Posted on