Business

મનપાના મેડિકલ કાર્ડ ધરાવતા કર્મચારીઓ માટે મેડિકલ સુવિધામાં નવા નિયમો લાગુ

  • ઓપીડીના બીલો રિએમ્બર્સ કરવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો 
  • પ્રિસ્ક્રાઈબ કરાયેલી દવાઓ યુપીએચસી અથવા જન  ઔષધિ કેન્દ્ર પરથી જ લેવાની રહેશે 

વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ મેડિકલ કાર્ડ ધરાવે છે તેઓ માટે ઓપીડી બાદ દવા લેવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાનાં મેડીકલ કાર્ડ ધરાવતા અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો  અને તેઓ ઉપર આધારીત તેઓનાં કુટુંબીજનો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓને  નિયમો અનુસાર વૈધકીય સારવાર આપવામાં આવે છે. જેમાં વડોદરા શહેરની માન્ય/ટ્રસ્ટ/ખાનગી હોસ્પિટલોમાં લીધેલ ઓ.પી.ડી. સારવારનાં મેડીકલ બીલો રીએમ્બર્સ કરવામાં આવે છે. હાલમાં ઓ.પી.ડી.નાં બીલો રીએમ્બર્સ કરવાનો જે નિતી-નિયમ ચાલે છે તેમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ઓ.પી.ડી.નાં કિસ્સાઓમાં પ્રિસ્ક્રાઇબડ કરેલી દવાઓ યુ.સી.એચ.સી./યુ.પી.એચ.સી. પરથી લેવાની રહેશે. આ દવાઓ યુ.સી.એચ.સી./યુ.પી.એચ.સી.માં દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ઉપરથી લેવાની રહેશે અને તેજ બીલોને રીએમ્બર્સ કરવામાં આવશે. જો બન્ને જગ્યાએ દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો સ્પેશ્યલ કિસ્સામાં અન્ય જગ્યાએથી લીધેલી દવાઓનાં બીલોને મંજૂર કરવામાં આવશે.અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(યુ.સી.એચ.સી.)/અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર(યુ.પી.એચ.સી.)માં દવાઓ ઉપલબ્ધ ન હોવાનાં કિસ્સામાં જે-તે મેડીકલ ઓફીસરનું દવાઓ ઉપલબ્ધ ન હોવા અંગેનું વેરીફીકેશન લેવાનું રહેશે. ત્યાર બાદજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાંથી લીધેલ દવાઓનાં મેડીકલ બીલો રીએમ્બર્સ કરવામાં આવશે. જો દવાઓ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાં ન હોય તેવા કિસ્સામાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું દવાઓ ન હોવા અંગેનું વેરીફીકેશન લેવાનું રહેશે. અને ત્યાર બાદ જ અન્ય જગ્યાએથી લીધેલી દવાઓનાં બીલોને સ્પેશીયલ કેસ તરીકે મંજુર કરવામાં આવશે. આ નિયમો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે. 

Most Popular

To Top