નવી દિલ્હી: સીબીઆઈએ (CBI) શંકાસ્પદ IMPS ટ્રાન્ઝેક્શનના મામલામાં રાજસ્થાન (Rajasthan) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) 67 સ્થળો પર દરોડા (Raid) પાડ્યા હતા. અસલમાં પાછલા થોડા સમયમાં જ યૂકો બેન્કના (UCO Bank) ખાતાઓમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન (Suspicious transaction) થયા હતા. તેમજ આ લેવડ-દેવડની રકમ સામાન્ય ન હતી. પરંતુ તે 820 કરોડ હતી. માટે આ મામલો સીબીઆઇ પાસે પહોંચ્યો હતો. તેમજ આજે સીબીઆઇ એ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
યુકો બેંકના જુદા જુદા ખાતામાંથી 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. યુકો બેંકની ફરિયાદ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ 21 નવેમ્બર 2023ના રોજ કેસ નોંધ્યો હતો. ફરિયાદ મુજબ, 10 નવેમ્બર, 2023 થી 13 નવેમ્બર, 2023 વચ્ચે, 7 ખાનગી બેંકોના 14,600 ખાતાધારકોએ UCO બેંકના 41,000 ખાતાધારકોના ખાતામાં ખોટી રીતે IMPS વ્યવહારો કર્યા હતા.
ખાતામાં 820 કરોડ જમા થયા છે
ટ્રાન્ઝેક્શનના કારણે મૂળ ખાતાઓ ડેબિટ કર્યા વગર યુકો બેંકના ખાતામાં 820 કરોડ રૂપિયા જમા થયા હતા. તેમજ નાણા જમા થયા બાદ ઘણા ખાતાધારકોએ વિવિધ બેંકિંગ ચેનલો દ્વારા બેંકમાંથી નાણાં ઉપાડીને મોટો ફાયદો ઉઠાવ્યો હતો. ડિસેમ્બર 2023માં સીબીઆઈએ કોલકાતા અને મેંગ્લોરમાં ખાનગી બેંક ધારકો અને યુકો બેંકના અધિકારીઓના 13 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ ક્રમમાં, 6 માર્ચ, 2024 ના રોજ એટલે કે આજે સીબીઆઈએ જોધપુર, જયપુર, જાલોર, નાગપુર, બર્મેડ સહિત રાજસ્થાનના પલૌડી અને મહારાષ્ટ્રના પુણેમાં દરોડા પાડ્યા છે.
130 શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત
દરોડામાં યુકો બેંક અને IDFC બેંક સાથે સંબંધિત 130 શંકાસ્પદ દસ્તાવેજો અને 40 મોબાઇલ ફોન 2 હાર્ડ ડિસ્ક, એક ઇન્ટરનેટ ડોંગલ સહિત 43 ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થળ પર વધુ 30 શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેની ખાતરી કરવા માટે તપાદમાં સશસ્ત્ર દળો સહિત રાજસ્થાન પોલીસના 120 પોલીસકર્મીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 130 સીબીઆઈ અધિકારીઓ, 80 ખાનગી સાક્ષીઓ અને વિવિધ વિભાગોના લોકો સહિત 210 લોકોની 40 ટીમો પણ ઓપરેશનમાં સામેલ હતી. હાલ સીબીઆઈ આઈએમપીએસના આ સમગ્ર શંકાસ્પદ વ્યવહારની તપાસ કરી રહી છે.