જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે અને ત્યારના દાયકાઓ સુધી ભારત દેશને ગરીબોનો દેશ કહેવામાં આવતો હતો. અનેક સરકારો આવી અને ગઈ પરંતુ ભારતમાં ગરીબોની આવક વધી નહી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનો નારો પણ આપ્યો હતો પરંતુ ગરીબી હટી નહોતી. પરંતુ છેલ્લા દોઢ દાયકાથી આ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
સને 1991માં ભારતની એવી સ્થિતિ થઈ હતી કે ભારત દેશ વિશ્વને ચૂકવણું પણ કરી શકતું નહોતું. તે સમયે વિદેશી હુંડિયામણ તળિયે જતું રહ્યું હતું પરંતુ તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિંહારાવ અને તત્કાલિન નાણાંમંત્રી મનમોહનસિંહ દ્વારા ભારતમાં વ્યાપક આર્થિક ઉદારીકરણ અને સૂચક આયોજનની નીતિ અપનાવવામાં આવી અને તેનો સીધો લાભ ભારતને થયો. આ ઉદારીકરણની નીતિને પગલે 21મી સદીની શરૂઆતમાં જ ભારતનો વાર્ષિક જીડીપી સરેરાશ 6થી 7 ટકા રહેવા પામ્યો છે.
ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ કાળા નાણાંના વહેવાર પર મોટો અંકુશ આવ્યો છે અને બેંકોમાં નાણાંનો ભરાવો થવા માંડ્યો છે. બેંકોમાં થાપણો વધી રહી છે. સાથે સાથે નવા નવા ધંધાના દ્વાર ખૂલી રહ્યા હોવાથી લોકોની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે જ બુધવારે રેટિંગ એજન્સી ક્રિસિલે બુધવારે આગામી નાણાંકીય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. ક્રિસિલે ત્યાં સુધી કહ્યું છે કે, 2031 સુધીમાં ભારત ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતો દેશ બની જશે અને ભારતનું અર્થતંત્ર પણ બમણું થઈને 7 ટ્રિલિયન ડોલર થઈ જશે.
ક્રિસિલ રેટિંગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્રને સ્થાનિક માળખાકીય સુધારા અને અન્ય પરિસ્થિતિનો ટેકો મળશે અને તેને કારણે ભારતની અર્થવ્યવસ્થા 2031 સુધીમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બની શકશે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જીડીપીનો વધારાનો દર 7.6 ટકા રહેશે પરંતુ આગામી નાણાંકીય વર્ષમાં પણ ભારતનો જીડીપી 6.8 ટકા રહેવાની સંભાવના છે.
ભારતની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયનનનો આંકડો પાર કરવામાં આગામી ત્રણેક વર્ષનો સમય લાગે તેમ છે અને આગામી સાત વર્ષમાં અર્થવ્યવસ્થા 7 ટ્રિલિયન સુધી પહોંચી જશે. ભારત 3.6 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે હાલમાં વિશ્વની પાંચમાં ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતની આગળ અમેરિકા, ચીન, જાપાન અને જર્મની છે. ક્રિસિલના રેટિંગ મૂજબ 2030-31 સુધીમાં ભારતમાં માથાદીઠ આવક 4500 યુએસ ડોલર થઈ જશે. હાલમાં વિશ્વબેંકની વ્યાખ્યા પ્રમાણે, જે દેશમાં માથાદીઠ આવક 4000થી 12000 ડોલર છે તે દેશ ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતો દેશ છે.
ભારતમાં પહેલેથી જ વ્યવસાય માટેનું મોટું પોટેન્શિયલ છે. મોગલોના સમયમાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. ભારતથી જ મોટો વેપાર વિશ્વમાં થતો હતો પરંતુ બાદમાં અન્ય દેશોએ પોતાનો વિકાસ કર્યો અને તેને કારણે ભારતની અર્થવ્યવસ્થા તળિયે પહોંચી ગઈ. બ્રિટન જેવા દેશ તો ભારતમાંથી જ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી લૂંટફાટને પગલે સમૃદ્ધ બન્યા છે. ભારતની આર્થિક વ્યવસ્થા તે સમયે ખૂબ મોટી હોવાને કારણે જ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા મોટાપાયે વેપાર ભારતમાં કરવામાં આવ્યો હતો.
જોકે, આઝાદીના સાત દાયકા બાદ ભારતે પણ હવે ધીરેધીરે કાઠું કાઢવા માંડ્યું છે અને ભારતની અર્થવ્યવસ્થા હવે આગળ વધી રહી છે. ભારતની જીડીપીનો 70 ટકા સ્થાનિક વપરાશ દ્વારા સંચાલિત છે. ઉપરાંત સરકારી ખર્ચ, રોકાણ અને નિકાસ દ્વારા બળતણનો જીડીપીમાં સમાવેશ થાય છે. 2002માં ભારત દેશ વિશ્વનો સૌથી મોટો 6ઠ્ઠા ક્રમનો આયાતકાર અને 9મા ક્રમનો સૌથી મોટો નિકાસકાર બન્યો હતો. ભારત દેશ 1995ની 1લી જાન્યુ.થી વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય છે. હાલમાં ભારત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્ષમાં 63માં ક્રમે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા ઈન્ડેક્ષમાં 40માં ક્રમે છે. 476 મિલિયન કામદારો સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટી સંખ્યામાં શ્રમિકો ધરાવે છે. હાલના તબક્કે ભારતમાં અનેક વ્યવસાયો એવા છે કે જે વ્યવસાય આખા વિશ્વમાં ક્યાંય નથી. ભારત હજુ સુધી હથિયારોના વ્યવસાયમાં પડ્યું નથી. ભારત પાસે વિશાળ દરિયાકાંઠો છે પરંતુ ભારતે હજુ સુધી આ દરિયાકાંઠાનો એવો લાભ લીધો નથી.
ભારત પાસે ખનીજ સંપત્તિ પણ બહોળા પ્રમાણમાં છે પરંતુ હજુ સુધી તેના માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી નથી. ભારત દેશએ વિશ્વ માટે છઠ્ઠા ક્રમનું સૌથી મોટું બજાર છે. આ સંજોગોમાં ભારતમાં વ્યવસાય કર્યા વિના વિશ્વની કંપનીઓને ચાલી શકે તેમ નથી. ભારતે તેનો લાભ લેવાની જરૂરીયાત છે. હાલના સમયમાં ભારત પાસે જે યુવાધન છે અને તેમાં પણ યુવાનોમાં જે આવડત છે તેનો પણ મોટો લાભ દેશને મળી શકે છે. ભારત સરકારે યુવાનોમાં રહેલી શક્તિને બહાર લાવવાની જરૂરીયાત છે. જો આમ થશે તો બની શકે છે કે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે નહીં પરંતુ પ્રથમ ક્રમની અર્થવ્યવસ્થા બની જશે અને તે નક્કી પણ છે.