Editorial

વિદેશી મહિલા પર્યટકો પર બળાત્કારો: ભારત માટે મોટું લાંછન

હાલમાં થોડા દિવસ પહેલાં એક શરમજનક ઘટના ઝારખંડમાં બની ગઇ્ પોતાના પતિ સાથે બાઇક પર કેટલાક એશિયન દેશોના પ્રવાસે નીકળેલી સ્પેનની એક મહિલા પર ગેંગરેપ થયો. સ્પેનિશ મહિલા પશ્ચિમ બંગાળથી નેપાળ જઈ રહી હતી ત્યારે ઝારખંડના દુમકા જિલ્લામાં કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટના રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 300 કિમી દૂર હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરુમહાત ખાતે ગયા શુક્રવારે રાત્રે બની હતી, જ્યારે મહિલા તેના પતિ સાથે કુરમહાટ ગામમાં એક નિર્જન વિસ્તારમાં કામચલાઉ તંબુમાં આરામ કરી રહી હતી. આ કપલ ટુ-વ્હીલર પર પ્રવાસે હતું. તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જઇને ભારત આવ્યા હતા અને અહીંથી તેઓ નેપાળ જવાના હતા. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી મહિલા પ્રવાસીઓ પર થતા જાતીય હુમલાઓના બનાવોમાં વધુ એક ગંભીર બનાવ ઉમેરાઇ ગયો છે.

આ આઘાતજનક કેસમાં કેટલાક યુવકોની ધરપકડ કરવામાં આવી છે જયારે આ લખાય છે ત્યારે પણ હજી કેટલાક પકડમાં આવ્યા નથી. પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા સાત લોકોએ કથિત રીતે દંપતી પર હુમલો કર્યો અને મહિલા પર બળાત્કાર કર્યો. દુમકાના પોલીસ અધિક્ષક (SP) પિતાંબર સિંહ ખેરવારે જણાવ્યું હતું કે, “1 અને 2 માર્ચની વચ્ચેની રાત્રે, પોલીસની ટીમ આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેમને આ દંપતી મળી આવ્યું હતું. શરૂઆતમાં પોલીસે માની લીધું કે આ મારપીટનો મામલો છે.

તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ડૉક્ટરે કહ્યું કે મહિલા પર સામૂહિક બળાત્કાર થયો છે. અને આવી આ પહેલી ઘટના નથી. થોડા વર્ષ પહેલા મધ્ય પ્રદેશના એક વિસ્તારમાં આ જ પ્રકારની ઘટના બની હતી. અને એકલી વિદેશી પર્યટક મહિલા પર બળાત્કાર થયો હોય તેવી તો અનેક ઘટનાઓ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બની છે. દિલ્હી, જયપુર, ગોવા જેવા પર્યટકોને મોટા પ્રમાણમાં આકર્ષતા સ્થળોએ તો આવી અનેક ઘટનાઓ બની છે. બળાત્કારો ઉપરાંત વિદેશી મહીલાઓ સાથે ભારતમાં જાહેર સ્થળોએ કે વાહનોમાં જાતીય છેડતી કે સતામણીના પણ અનેક બનાવો નોંધાય છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક સ્થળે એક કોરિયન યુવતિ સાથે કેટલાક લોકો છેડછાડ કરી રહ્યા હતા તે બાબત ખૂબ ચર્ચિત બની હત.

વૈશ્વિક પર્યટન સ્થળ હોવા છતાં, ભારત વિદેશી મહિલાઓ સામે થતી ઉત્પીડન અને જાતીય હિંસાના ભયજનક દરો માટે વધુને વધુ ટીકાપાત્ર બની રહ્યું છે. આ ફક્ત ભારતના ટુરિઝમ ઉદ્યોગને જ નુકસાન કરનારી બાબત નથી પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની છાપ પણ બગડી રહી છે. અમેરિકાએ બે’ક વર્ષ પહેલા એક ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં પોતાની મહિલા પર્યટકોને ભારતમાં ખાસ સાવધ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

2013 માં સ્વિસ પ્રવાસી પર બળાત્કાર કરનારાઓને આજીવન કારાવાસની સજા સહિત અપરાધીઓને સજા કરવાના ભારતના પ્રયાસો છતાં, સ્વિસ સરકાર અને ટૂર ઓપરેટરો દેશને મહિલા પ્રવાસીઓ માટે અસુરક્ષિત સ્થળ તરીકે માને છે. સ્વિસ ટ્રાવેલ એડવાઇઝરી ટુ ઇન્ડિયાના “ગુના” વિભાગ હેઠળનું પ્રથમ વાક્ય સંભવિત પ્રવાસીઓને ચેતવણી આપે છે કે “સમગ્ર ભારતમાં અનેક બળાત્કાર અને જાતીય ગુનાઓ નોંધાયા છે અને પીડિતોમાં વિદેશીઓ વધુને વધુ છે”. તે એવી પણ ભલામણ કરે છે કે “સ્ત્રીઓ ખાસ કરીને જાગ્રત રહેવું જોઈએ” અને “જો તેઓ કોઈ પુરુષ સાથે હોય તો તેમને પરેશાન થવાની શક્યતા ઓછી છે” પરંતુ તેમ છતાં સાવચેતી રાખવી જોઈએ.

આ ચેતવણીઓ જૂન 2013 માં રજૂ કરવામાં આવી હતી, તે વખતે મધ્ય પ્રદેશમાં બાઇકિંગ પ્રવાસ પર સ્વિસ પ્રવાસી પર આઘાતજનક ગેંગ રેપના ત્રણ મહિના પછી. મહિલા અને તેના પતિ પર ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પિંગ કરતી વખતે પુરુષોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આના દસ વર્ષ કરતા વધુ સમય પછી હવે આ જ પ્રકારની ઘટના ઝારખંડમાં બની છે. આપણા દેશની અંદર દેશની મહિલાઓ સાથે જાતીય હિ઼સાના બનાવો મોટા પ્રમાણમાં બનતા જ રહે છે પરંતુ વિદેશી મહિલાઓ પર વધેલા જાતીય હુમલાઓ દેશની બદનામી આખી દુનિયામાં કરાવે છે.

જોકે બળાત્કારના કેસોમાં વધારો એ તાજેતરની ઘટના નથી. 1971થી દેશમાં બળાત્કારની નોંધાયેલી ઘટનાઓ વધી રહી છે, જ્યારે બળાત્કારના આંકડા પ્રથમવાર નોંધાયા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી મહિલાઓ પરના બળાત્કારોના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે ભારતમાં બળાત્કારનો ભોગ બનેલા વિદેશી નાગરિકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર આંકડા નથી પરંતુ પ્રમાણમાં ઓછા કેસો નોંધાવા છતાં પ્રવાસન ક્ષેત્ર પર તેની ગંભીર અસર થઇ શકે છે. 2013ના સ્વિસ બળાત્કાર કેસમાં સામેલ લોકો સામે ભારતીય સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, સ્વિસ પ્રવાસીઓ માટે સલામતી હજુ પણ ચિંતાનો વિષય છે.

ગ્લોબેટ્રોટર્સ ટ્રાવેલ એજન્સીના ટ્રાવેલ કન્સલ્ટન્ટ મેગાલી ગોડોય કહે છે, “મહિલા પ્રવાસીઓ અમારી સાથે ભારતની ટ્રિપનું આયોજન કરતી વખતે સલામતી અંગે ચિંતા કરે છે. ટૂર એશિયાના ટ્રાવેલ કન્સલ્ટન્ટ જુલી સ્ટૉફેચરને પણ ક્લાયન્ટ્સ તરફથી પૂછવામાં આવે છે કે શું ભારતમાં એકલી મુસાફરી કરવી સલામત છે કે કેમ? આ બાબતો સ્પષ્ટ દર્શાવે છે કે વિશ્વમાં ભારતની છાપ કેવી ઉભી થઇ છે.આ સ્થિતિ બદલવા માટે સરકારે કડક કાયદા, લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવાના પ્રયાસો સહિતના પગલાં ભરવા જ જોઇએ.

Most Popular

To Top