Comments

ભારતનો ઝડપી આર્થિક વૃદ્ધિ દર વધુ પ્રમાણમાં વૈશ્વિક રોકાણો આકર્ષાવાની તકો વધારશે

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃધ્ધિદર વાર્ષિક ધોરણે 8.4 ટકાની ઝડપે પહોંચી ગયો છે, એમ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલ ડેટા દર્શાવે છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં જીડીપી વૃદ્ધિ 4.3 ટકા હતી “૨૦૨૩-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં બેઝ કિંમતો પર જીડીપી રૂ. 43.72 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે ૨૦૨૨-૨૩ના આ જ ક્વાર્ટરમાં રૂ. 40.35 લાખ કરોડ હતો, જે 8.4 ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે,” એમ સરકારની રજૂઆતમાં જણાવાયું છે. જ્યારે કે વિશ્લેષકોએ ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકાથી નીચે રહેવાનો અંદાજ મૂક્યો હતો, ત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર ધારણા કરતા વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન જીડીપી વૃદ્ધિ પણ આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં નોંધાયેલ 7.6 ટકા વૃઘ્ધિ કરતાં વધુ સારી રીતે આવી છે.

આમ તો કોવિડના રોગચાળા પછી જેમની રિકવરી ઘણી સારી રહી છે અને જેમના અર્થતંત્રો સારી એવી ઝડપથી વિકસ્યા છે તેવા ટોચના દેશોમાં ભારતનો સમાવેશ થાય છે, બલ્કે મોટા અર્થતંત્રોમાં તો છેલ્લા કેટલાક સમયમાં સૌથી વધુ વિકાસદર ભારતનો જ રહ્યો છે. ભારતના અર્થતંત્રના મહત્વના અનેક સેકટરોનો દેખાવ ત્રીજા ક્વાર્ટરમાં ખૂબ સારો રહ્યો છે અને તેેને કારણે ભારતનો આર્થિક વિકાસદર ખૂબ ઝડપી બન્યો છે એમ સરકાર તરફથી જાહેર કરાયેલ માહિતી જણાવે છે.

સરકારના જણાવ્યા અનુસાર, બાંધકામ ક્ષેત્રનો બે આંકડાનો વિકાસ દર (10.7 ટકા), ત્યારબાદ ઉત્પાદન ક્ષેત્રનો સારો વિકાસ દર (8.5 ટકા) એ નાણાકીય વર્ષ 24 માં જીડીપી વૃદ્ધિને વેગ આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 8.4 ટકાની નક્કર વૃદ્ધિ પાછળ પણ આ ક્ષેત્રોમાં વૃદ્ધિના મુખ્ય કારણો તરીકે આભારી ગણાવવામાં આવી છે. ભારતની અર્થવ્યવસ્થા 2023 ના અંતિમ ત્રણ મહિનામાં દોઢ વર્ષમાં તેની સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામી હતી, જેની આગેવાની મજબૂત મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એ લીધી હતી. અને આ સંસદીય ચૂંટણીના થોડા જ સમય પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક રેકોર્ડને મજબૂત બનાવે છે અને ત્રીજી ટર્મ માટે સત્તા હાંસલ કરવાની તેમની તકોમાં વધારો કરે છે.

એશિયાની ત્રીજી સૌથી મોટી એવી આ અર્થવ્યવસ્થા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.4%ના દરે વૃદ્ધિ પામી હતી, જે અગ્રણી વૈશ્વિક સમાચાર સંસ્થા રોઇટર્સ દ્વારા જેમનો અભિપ્રાય લેવાયો હતો તે અર્થશાસ્ત્રીઓ દ્વારા અંદાજવામાં આવેલા 6.6%ના દર કરતાં ઘણી વધુ ઝડપી હતી અને અગાઉના ત્રણ મહિનામાં નોંધાયેલા 7.6%ના વૃદ્ધિદર કરતા નોંધપાત્ર વધારે છે. ઈન્ડિયા રેટિંગ્સના એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ત્રીજા ક્વાર્ટરમાં પણ ઔદ્યોગિક વૃદ્ધિએ તેની સારી ચાલ ચાલુ રાખી છે અને વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ હોવા છતાં ભારતના અર્થતંત્રએ જે ગતિ બતાવી છે તે આ અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

વૈશ્વિક સ્તરે ભારતની છાપ હવે એક સક્ષમ અને સ્થિર અર્થતંત્ર તરીકેની બનતી જાય છે અને ભારતે અનેક અંદાજો ખોટા પાડ્યા છે તથા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે સ્થાન મેળવ્યું છે, જેમાં ચીન રોગચાળા પછી રિકવર થવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને યુરો ઝોન, યુકે અને જાપાન પણ મંદી જેવો માહોલ સહન કરી ચુક્યા છે ત્યારે ભારત ખૂબ ઝડપી વિકાસદર નોંધાવી રહ્યું છે. ત્રીજા ક્વાર્ટમાં આઠ ટકા કરતા વધુના વિકાસદર સાથે ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે 31 માર્ચ સુધીના તેના વૃદ્ધિ અંદાજને 7.3% થી સુધારીને 7.6% કર્યો છે.એટલે કે ભારત આ મહિનાના અંતે પુરા થનાર ચાલુ નાણાકીય વર્ષમાં ૭.૬ ટકાના દરે વિકાસદર નોંધાવશે એવી સરકારને આશા છે.

મે મહિનામાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં છેલ્લા મુખ્ય આર્થિક ડેટા રિલીઝમાં આટલું મજબૂત પ્રદર્શન મોદીની તકોને મજબૂત બનાવી શકે છે કારણ કે તેમણે દેશભરની રેલીઓમાં ઉચ્ચ આર્થિક વૃદ્ધિને તેમના પ્રચારનો મહત્વનો મુદ્દો બનાવ્યો હતો. આ વિકાસદર મોદીની તકો જ નહીં વધારશે પરંતુ વિશ્વભરમાંથી ભારતમાં વધુ પ્રમાણમાં રોકાણ આકર્ષી શકે છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને આગામી 10-15 વર્ષોમાં વિશ્વની ટોચની ત્રણ આર્થિક શક્તિઓમાંની એક બનવાની અપેક્ષા છે.

વૈશ્વિક અણધારીતા અને અસ્થિરતાના વર્તમાન સમયગાળામાં રોકાણ માટેના ગંતવ્ય તરીકે ભારતની અપીલ વધુ મજબૂત અને વધુ ટકાઉ બની છે અને 2022માં ભારત-કેન્દ્રિત ફંડ્સ દ્વારા એકત્ર કરાયેલી વિક્રમી રકમ ભારતમાં વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનો પુરાવો છે. હાલમાં યુએઇ સહિત અનેક દેશોએ મોટા પ્રમાણમાં ભારતમાં રોકાણની જાહેરાત કરી છે ત્યારે આ રોકાણ હજી વધી શકે છે.

Most Popular

To Top