National

સંદેશખાલી: શાહજહાં શેખની 55 દિવસ પછી ધરપકડ, TMC એ પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) પોલીસે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખની (ShahJahan Sheikh) ધરપકડ કરી છે. જેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ પર હુમલો કરવાના આરોપમાં છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે શાહજહાં શેખને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તૃણમૂલના નેતા ડેરેક ઓ બ્રાયને કોલકાતામાં આ માહિતી આપી હતી.

તેઓ સંદેશખાલીમાં (Sandeshkhali) જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાના આરોપમાં ફરાર હતા. તેમજ 55 દિવસ ફરાર રહ્યા બાદ ગુરુવારે સવારે શાહજહાંની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તે તેના કેટલાક મિત્રો સાથે ઘરમાં છુપાયો હતો.

ધરપકડ થયા બાદ પણ શાહજહાંનું ટશન ઓછુ થતુ જણાતુ નથી. જ્યારે પોલીસ તેની ધરપકડ કરીને કોર્ટમાં લઈ જઈ રહી હતી ત્યારે તે એકદમ અલગ રીતે નિર્ભયપણે ચાલતો જોવા મળ્યો હતો. તેનામાં સહેજ પણ ભય દેખાતો ન હતો. સવારે લગભગ 10.30 વાગ્યે શાહજહાંને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જતી વખતે તેણે આંગળી ઉંચી કરીને ત્યાં ઊભેલા લોકોને કંઈક સંકેત કર્યો.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે શાહજહાં શેખ ઉત્તર 24 પરગણા જિલ્લાના મીનાખામાં એક ઘરમાં છુપાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે દસ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

જણાવી દઇયે કે જિલ્લાના સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર યૌન શોષણ અને જમીન પટ્ટા પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના એડવોકેટ જનરલની અરજી પર હાઈકોર્ટે ગયા સોમવારે શાહજહાં શેખની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ ટીએસ શિવગનમની સિંગલ બેન્ચે 7 ફેબ્રુઆરીના તેના આદેશમાં ED અધિકારીઓ પરના હુમલાની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના પર રોક લગાવી હતી. બાદમાં કોર્ટને જાણવા મળ્યું કે શેખ લાંબા સમયથી ફરાર હતો. જે બાદ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે CBI અને ED શેખની ધરપકડ કરવા માટે સ્વતંત્ર છે.

કાયદો અને વ્યવસ્થાને લઈને ભાજપના બે દિવસીય ધરણા
સમગ્ર મમાલા દરમિયાન રાજ્યની વિપક્ષ ભાજપ આ મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. સંદેશખાલીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અને TMC નેતાઓના કથિત અત્યાચાર સામે તેમનો વિરોધ ચાલુ છે. પાર્ટીના રાજ્ય સ્તરના ટોચના નેતાઓએ બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા શરૂ કર્યા. આ દરમિયાન ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.

Most Popular

To Top