દારૂની મહેફીલમાં પકડાયેલા 3 પોલીસ ઇન્સ્પેક્ટરની જિલ્લા બહારના હેડક્વાર્ટરમાં બદલી ન થઈ તે પણ શંકાસ્પદ બાબત
વિદ્યાનગરમાં ફરજ દરમિયાન પીઆઈ હરપાલસિંહ અને મારામારીમાં સામેલ સાયબર એક્સપર્ટ અને ભાજપ અગ્રણી મનીષ જૈન સાથે સંપર્ક થયો હતો
ખેડા જિલ્લાના 3 પી.આઈ.ના સસ્પેન્સને ચકચાર જગાવી છે. દારૂની મહેફીલના વીડિયોએ ખાખી પર દાગ લગાડ્યો છે, પરંતુ હજુ સુધી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ત્રણેય પોલીસ ઈન્સપેક્ટરને સાચવીને જાણે જિલ્લા હેડક્વાર્ટરમાં મૂક્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. દારૂની મહેફીલમાં પકડાયા હોવા છતાં હજુ સુધી ત્રણેય પોલીસ ઈન્સપેક્ટર અને તેમના મિત્રો સામે પ્રોહીબીશનનો કોઈ ગુનો નોંધાયો નથી. આ સાથે જ સસ્પેન્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ વિદ્યાનગરમાં ફરજ પર હતા, તે વખતે સાયબર એક્સપર્ટ અને ભાજપ અગ્રણી મનીષ જૈન સાથે મિત્રતા કેળવી હતી, જે મિત્રતા છેક દારૂની મહેફીલો સુધી પી.આઈ.ને દોરી ગઈ છે.
ખેડા જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ, વાય.આર. ચૌહાણ અને આર. કે. પરમાર એમ ત્રણેય એક સાથે દારૂની મહેફીલ પોતાના મિત્રો સાથે માણતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ખેડા જિલ્લાની ખાખીની આબરૂના લીરેલીરા ઉડ્યા છે. આ ત્રણેય પીઆઈને સસ્પેન્ડ કરી ખેડા કેમ્પમાં મોકલી દેવાયા છે. જો કે, સમગ્ર મામલે જિલ્લાભરમાં આ ત્રણેય પીઆઈને ડી.જી.પી. અને ગૃહ વિભાગની કક્ષાએથી સસ્પેન્ડ કરી અન્ય જિલ્લાના હેડક્વાર્ટરમાં મુકાય તેવી માગ ઉઠી રહી છે. ત્રણેય પોલીસ ઈન્સપેક્ટર ખેડા જિલ્લામાં જ ફરજ પર હતા, જેથી પુરાવા અને સાક્ષીઓ સહિતની આ ઘટનાને લગતી તમામ બાબતો અને પુરાવા સાથે છેડછાડ કરે તેવી આશંકાઓ છે. જેના કારણે તેમની અન્ય જિલ્લાના હેડક્વાર્ટરમાં બદલી કરવાની માગ ઉઠી છે. તો આ સાથે જ 18 સેકન્ડના વીડિયોમાં ત્રણેય પોલીસ ઈન્સ્પેક્ટર દારૂની બોટલો સાથે દેખાયા હોવા છતાં તેમની અને મહેફીલમાંના તેમના અન્ય મિત્રો સામે પ્રોહીબીશનની કોઈ ફરીયાદ ન નોંધાતા અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જેથી આ મામલે ત્વરીત પ્રોહીબીશનનો ગુનો નોંધાય તેવી માગ પણ ઉઠી રહી છે.
આ સાથે જ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજમાં અનેકવાર વિવાદોમાં આવેલા હરપાલસિંહ ચૌહાણ વિદ્યાનગરના પોલીસ ઈન્સપેક્ટર હતા, તે વખતે આણંદ ભાજપના નેતા અને સાયબર એક્સપર્ટ મનીષ જૈન સાથે સંપર્કમાં આવ્યા હતા, આ મનીષ જૈન વીડિયોમાં મારામારી કરનારો ઈસમ છે. બંને વિદ્યાનગરમાં મિત્રો બન્યા બાદ દારૂની મહેફીલો આણંદ, વિદ્યાનગર તેમજ નડિયાદ ખાતે ભેગા જ કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
પીઆઇ આર.કે. પરમાર વોન્ટેડ રહી ચૂક્યા છે
વડતાલ પી.આઈ. આર. કે. પરમાર અગાઉ મોડાસામાં LCB પી.આઈ. હતા. તે વખતે દારૂ ભરેલી ટ્રક સાથે બે કોન્સ્ટેબલો પાયલોટીંગ કરતા જતા પકડાયા હતા. તેમને સસ્પેન્ડ કરાયા અને તેના 2 દિવસ દરોડા પડતા ટ્રકમાં ઝડપાયેલા દારૂ પૈકીનો કેટલોક દારૂનો જથ્થો LCB પી.આઈ. આર. કે. પરમારની કચેરીમાં છુપાવેલો મળ્યો હતો. તે વખતે તેમની સામે ફરીયાદ નોંધાઈ હતી અને તેઓ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા હતા. તેમજ તેમને તે વખતે પણ સસ્પેન્ડ કરાયા હતા.
દારૂની બોટલો એટલે બૂટલેગરો સાથેના સબંધ?
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે દારૂ ક્યાંથી આવ્યો ? તે મહત્વનો પ્રશ્ન બન્યો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે, પી.આઈ. આર. કે. પરમાર મોડાસામાં હતા, ત્યારે તેમની બુટલેગરો સાથેની સાંઠગાંઠ ખુલી હતી. તો તે જ તર્જ પર અત્યારે દારૂ પાર્ટીમાં ઝડપાયેલા આ ત્રણેય પોલીસ અધિકારીઓના બુટલેગરો સાથે સબંધ હોવાની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. જેથી તે દિશામાં પણ તપાસ થાય તો અનેક રહસ્યો ખુલ્લા પડે તેમ છે.
આ બાબતે તપાસ કરી જવાબ મળશે..?
1. દારૂની મહેફીલ ક્યાં કરવામાં આવી?
2. જો સરકારી ક્વાટરમાં કરવામાં આવી તો કયુ ક્વાટર ? અને જવાબદાર કોણ ?
3. ફાર્મ હાઉસ કે અંગત મકાનમાં મહેફીલ કરાઈ તો મિલકત કોની અને તેને આરોપીમાં જોડાશે કે કેમ?
4. દારૂ ક્યાંથી આવ્યો?
5. દારૂ પરમીટ વાળો કે પરમીટ વિનાનો ?
6. કયા દિવસે આ દારૂની મહેફીલ કરી ? ત્રણેય PI ઓન ડ્યુટી હતા કે કેમ ?
7. વીડિયોમાં ઉલ્લેખ કરાયેલો ઘની કોણ ?
8. મારામારી કોની-કોની વચ્ચે થઈ ?
9. વીડિયો કોણે ઉતાર્યો ?
10. સમગ્ર મામલે ત્રણેય PI સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાશે કે કેમ ?