Vadodara

પ્રધાનમંત્રી રેલવેના 41 હજાર કરોડના પ્રોજેકટનું કરશે ભૂમિપૂજન અને લોકાર્પણ :

પશ્ચિમ રેલવેના 8 સ્ટેશન 9 ફલાયઓવર અને 41 અંડરપાસનું શિલાન્યાસ અને ઉદ્દઘાટન

પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ.19,000 કરોડથી વધારેનાં ખર્ચે 553 રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસ માટે શિલારોપણ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યનાં આશરે 2000 રેલવે માળખાગત પ્રોજેક્ટનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરશે. જેમાં પશ્ચિમ રેલવેના 8 સ્ટેશન, 9 ફલાયઓવર અને 41 અંડર પાસનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ અવારનવાર રેલવે સ્ટેશનો પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ પ્રયાસમાં મોટું પગલું ભરતા પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ફરીથી વિકસિત કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુ એકીકૃત કરતા ‘સિટી સેન્ટર્સ’ તરીકે કામ કરશે. તેમાં રૂફ પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, સુધારેલા આધુનિક અગ્રભાગ, કિડ્સ પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ વગેરે જેવી આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમને પર્યાવરણને અનુકૂળ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. આ અંગે માહિતી આપતા પશ્ચિમ રેલવે વડોદરા મંડલના ડીઆરએમ જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કાલે રેલવે ઇતિહાસમાં સૌથી દિવસ રહેવાનો છે. અને ગ્રીનિસ વલ્ડ રેકોર્ડ થવાનો છે. પીએમ મોદી દેશભરમાં 553 સ્ટેશન અને 1500 ફ્લાય ઓવરનું લોકાર્પણ અને ફાઉન્ડેશન કરવાના છે. જેમાંથી 58 અમારા ઈન્સ્ટોલેશન છે. જેમાં 8 સ્ટેશન, 9 ફ્લાયઓવર અને 41 અંડર પાસ છે. અંકલેશ્વર, કોસંબા, ઉતરાણ, સાયન ,કીમ, કરમસદ, ગોધરા અને મહેમદાવાદ સ્ટેશન છે. કુલ 155 કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં આ કામો થશે. પ્રધાનમંત્રી 1500 રોડ ઓવર બ્રીજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદઘાટન અને દેશને સમર્પિત પણ કરશે. 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ રોડ ઓવર બ્રીજ અને અંડરપાસમાં આ પરિયોજનાઓનો કુલ ખર્ચ આશરે 21,520 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, સુરક્ષા અને કનેક્ટિવિટી વધશે, ક્ષમતામાં સુધારો થશે અને રેલવે પ્રવાસની કાર્યદક્ષતા વધશે.

Most Popular

To Top