ચાલુ સ્કૂલે સ્લેબનો પોપડો તૂટી પડતા વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
શિક્ષણ વિભાગની બેદરકારી છતી થતા વાલીઓમાં આક્રોશ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલી શાહ.એન.બી.હાઈસ્કૂલમાં સ્લેબનો પોપડો પડતા એક વિદ્યાથિની વિદ્યાર્થિનીને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે આ ઘટનાને લઈ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવતા વાલીઓમાં પણ તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં શાહ એન.બી. સાર્વજનિક હાઈસ્કુલ આવેલી છે. સોમવારે બપોરે ચાલુ સ્કૂલે એક સ્લેબનો પોપડો પડવાની ઘટના બની હતી. હાઇસ્કુલના ત્રીજા માળે રૂમ નંબર 13 માં સ્લેબનો પોપડો પડતાં એક વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચાલુ સ્કૂલે સ્લેબનો પોપડો પડ્યાનો વિડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી. સ્કૂલમાં સ્લેબનો પોપડો તૂટી પડવાની ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. નોંધનીય બાબત છે કે શાહ.એન.બી.હાઈસ્કૂલના કેટલાક ઓરડા જર્જરિત બન્યા છે. તેમ છતાં તેની કોઈ યોગ્ય તકેદારી રાખવામાં આવી નથી. અને વિદ્યાર્થીઓ તંત્રના પાપે ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબુર બન્યા છે. છતનો સ્લેબનો મોટો પોપડો તૂટી પડતા કેટલીક બેન્ચીસ પણ તૂટી ગઈ હતી. જો આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના થાત તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઉઠ્યા હતા.