સિવિલ વર્ક, નાના મોટા અકસ્માત અને પોલીસના અપૂરતા સ્ટાફને કારણે વાહનચાલકોને હાલાકી :
સવારના સુમારે ટ્રાફિકજામ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.20
વડોદરા એક્સપ્રેસ-વે પર મહીસાગરના બ્રિજ પર ચાલી રહેલા કામને કારણે એક થી દોઢ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જે બાદ વાઘોડિયા રોડ પર એક કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી સિવિલ વર્ક, નાના મોટા અકસ્માત તેમજ પોલીસના અપૂરતા સ્ટાફને કારણે વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. તેવામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે પર મહીસાગરના બ્રિજ પર ચાલી રહેલા કામને કારણે એક થી દોઢ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. તો બીજી તરફ દુમાડ પાસે પણ વારંવાર ટ્રાફિક જામના બનાવ બનતા હોય છે. વડોદરાથી વાઘોડિયાની વચ્ચે પણ આવી જ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. જેને કારણે નોકરીયાત તેમજ વિદ્યાર્થીઓને ભારે હેરાન થવું પડે છે. ત્યારે મંગળવારે પણ આવી જ રીતે સવારે ટ્રાફિક જામ ની સમસ્યા થતા એક થી દોઢ કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે વાહન ચાલકોને લાંબો સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવાની નોબત આવી હતી. અગાઉની વાત કરવામાં આવે તો વાતાવરણ પલ્ટો આવતા ઝીરો વિઝિબિલિટીને કારણે પણ ઘણી વખત સર્જાયેલા અકસ્માતો ને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે આ વખતે તો હવે જ્યારે વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો હોય અને ક્યાંકને ક્યાંક પોલીસના અપૂરતા સ્ટાફને કારણે તેમજ ગોકડગતિએ ચાલતી કામગીરીને પગલે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.