મલેશિયા: ભારતની (India) દીકરીઓએ ઇતિહાસ (History) રચ્યો છે. ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપનું (Badminton Asia Team Championship) ટાઇટલ જીતી લીધું છે. પીવી સિંધુની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમના યુવા અને ગતિશીલ જૂથે થાઈલેન્ડની આશાઓને તોડી બે વખતની કાંસ્ય ચંદ્રક વિજેતા થાઈલેન્ડ ટીમ સામે જીત મેળવી.
ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. અગાઉ ટીમે એક પણ મેડલ જીત્યો ન હતો. પીવી સિંધુ, ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી અને અનમોલ ખરાબે ફાઈનલ દરમિયાન પોતપોતાની મેચ જીતી હતી. આ સાથે જ ભારતે ટોચના ક્રમાંકિત ચીનને હરાવીને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
ફાઈનલ મેચ દરમિયાન પ્રથમ મેચ પીવી સિંધુ અને સુપાનિદા કેટેથોંગ વચ્ચે રમાઈ હતી. ઈજામાંથી સાજા થયા બાદ પોતાની પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલી પીવી સિંધુએ સુપાનિદા કેટેથોંગને 21-12, 21-12થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. સિંધુ અને સુપનિદા વચ્ચેની મેચ 39 મિનિટ સુધી ચાલી હતી. ત્યારપછી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલીએ ડબલ્સ મેચમાં જોંગકોલ્ફામ કિતિથારાકુલ અને રવિન્દા પ્રજોંગજલને 21-16, 18-21, 21-16થી હરાવી ભારતને 2-0થી આગળ ઘપાવ્યુ હતું.
જોકે અસ્મિતા ચલિહાને બુસાનન ઓંગબામરુંગફાન સામે 11-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી ડબલ્સ મેચમાં શ્રુતિ-પ્રિયાની જોડીને હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે સ્કોર 2-2 થઈ ગયો. ત્યાર બાદ 16 વર્ષના અનમોલ ખરબે નિર્ણાયક મેચમાં પોર્નપિચા ચોકીવોંગ સામે 21-14, 21-9થી જીત મેળવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. અનમોલની વર્લ્ડ રેન્કિંગ 472 છે, જ્યારે ચોકીવોંગ 45માં સ્થાને છે.
થાઈલેન્ડની ટીમ પુરા જોશ સાથે મેદાનમાં ઉતરી ન હતી
સ્પર્ધાની મોટાભાગની ટીમોની જેમ થાઈલેન્ડ સંપૂર્ણ તાકાતથી રમી રહ્યું ન હતું. તેઓ તેમના ટોચના બે સિંગલ્સ ખેલાડીઓ વગર જ મેચ રમી રહ્યા હતા. વિશ્વમાં નંબર 13 રત્ચાનોક ઈન્તાનોન અને વિશ્વમાં નંબર 16 પોર્નપાવી ચોચુવોંગ એ થાઇલેન્ડની ટીમના મહત્વના ખેલાડીઓ હતા. જેઓ આ મેચમાં રમ્યા ન હતા.
દરમિયાન બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, જે ચાર મહિના પછી એક્શનમાં પરત ફરી હતી. તેણે પ્રથમ મેચમાં વિશ્વની 17 ક્રમાંકની સુપનિદા કાટેથોંગને 21-12, 21-12થી પરાજય આપ્યો હતો. તેમજ તેણીએ પ્રથમ સિંગલ્સ મેચ જીતીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.