અમદાવાદ – મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરની પાછળ બોલેરો ઘૂસી ગઈ, ફસાયેલા ડ્રાઈવરને લોકોએ બહાર કાઢ્યો, કન્ટેનર ચાલક ફરાર
વડોદરા નજીક તરસાલી જામ્બુવા બ્રિજ વચ્ચે આજે વહેલી સવારે કન્ટેનરની પાછળ પીકઅપ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો પીકઅપ ગાડીનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. જેને આસપાસના વાહન ચાલકોએ બહાર કાઢ્યો હતો. અને સ્થળ પર જ એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માતમાં બોલેરો ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી. જોકે ડ્રાઇવરનો સદનસીબે બચાવ થયો હતો.
કન્ટેનરનો ડ્રાઇવર કન્ટેનર લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર પાંચ કિ.મી લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને ગાડીને હાઇવે પરથી હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો હતો.
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર વડોદરા પાસે તરસાલીથી જામ્બુવા ચોકડી વચ્ચે બાલાજી પેટ્રોલ પંપ પાસે આજે વહેલી પરોઢે 3 વાગ્યાની આસપાસ એક ટ્રક ચાલક હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી બોલેરો પીકઅપ ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેને પગલે આસપાસ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વાહન ચાલકો દોડી આવ્યા હતા.
આ પીકઅપ ગાડી મહારાષ્ટ્રથી દ્રાક્ષ ભરીને વડોદરા આવી રહી હતી. ત્યારે હાઇવે પર અચાનક જ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેને પગલે પીકઅપ ગાડીનો ડ્રાઇવર વિશાલ ગજેરા (રહે. મહારાષ્ટ્ર) ગાડીમાં ફસાઈ ગયો હતો. જેને પોલીસ અને આસપાસના વાહન ચાલકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને આજે ઓથોરિટીની એમ્બ્યુલન્સમાં ડ્રાઇવરને સારવાર આપવામાં આવી હતી.
બીજી તરફ મકરપુરા જીઆઇડીસીની ફાયર બ્રિગેડના વરિષ્ઠ સૈનિક અમરસિંહ ઠાકોર સહિતની ટીમ સ્થળ પર જવા રવાના થઈ હતી, જોકે હાઈવે પર ખૂબ જ ટ્રાફિકજામ હોવાથી તેઓને સ્થળ પર પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. ફાયબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને પીકઅપ ગાડીને હાઈવે પરથી હટાવી લીધી હતી અને હાઇવે પર થયેલો ટ્રાફિકજામ દૂર કર્યો હતો.