પટના: પાછલા થોડા સમયથી બિહારના (Bihar) રાજકારણમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. નીતીશ કુમારના (CM Nitish Kumar) રાજીનામા બાદ INDIA ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો હતો. જ્યારે બીજી તરફ બિહારના મંત્રી મંડળની રચના પણ બદલાયી હતી. હવે આ મંત્રી મંડળ વચ્ચે બિહારના મંત્રાલયોનું વિભાજન (Division of ministries) કરવામાં આવ્યું છે.
બિહાર સરકારમાં રાજકીય ઉથલપાથલ બાદ હવે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે. નીતીશ કુમાર અને અન્ય 8 મંત્રીઓએ 28 જાન્યુઆરીએ શપથ લીધા બાદ પણ મંત્રાલયો વિભાજિત થયા ન હતા. દરમિયાન નવી NDA સરકારની રચનાના છઠ્ઠા દિવસે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે. આ વહેંચણીમાં નીતિશ કુમારે ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગ પોતાની પાસે રાખ્યા છે.
બંને નાયબ મુખ્યમંત્રીઓને આ વિભાગો મળ્યા હતા
એનડીએ સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના તમામ વિભાગો સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા વચ્ચે વહેંચી દેવામાં આવ્યા છે. સમ્રાટ ચૌધરીને ફાયનાન્સ, કોમર્શિયલ ટેક્સ, અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ, હેલ્થ, સ્પોર્ટ્સ, ઈન્ડસ્ટ્રી, એનિમલ એન્ડ ફિશરીઝ રિસોર્સિસ, લો ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વિજય સિંહાને કૃષિ અને માર્ગ નિર્માણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. વિજય ચૌધરીને શિક્ષણ વિભાગની જવાબદારી રહેશે.
વિજય ચૌધરીને માહિતી અને જનસંપર્ક વિભાગની જવાબદારી સોંપવામાં આવ્યા
આ ઉપરાંત વિજય ચૌધરીને જળ સંસાધન, સંસદીય બાબતો, ભવન નિર્માણ, પરિવહન શિક્ષણ અને માહિતી અને જનસંપર્ક વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે બિજેન્દ્ર યાદવને ઉર્જા, આયોજન અને વિકાસ, પ્રતિબંધ, ગ્રામીણ બાબતો અને લઘુમતી કલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપના ક્વોટામાંથી મંત્રી બનેલા ડૉ.પ્રેમ કુમારને સહકાર, પછાત વર્ગ અને અત્યંત પછાત વર્ગ કલ્યાણ, આપત્તિ વ્યવસ્થાપન, પર્યાવરણ અને પ્રવાસન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
સુમિત કુમાર સિંહ પાસે માત્ર એક જ મંત્રાલય છે
આ સાથે શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ અને ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે હિન્દુસ્તાન આવામ મોરચા કોટામાંથી મંત્રી બનાવવામાં આવેલા સંતોષ કુમાર સુમનને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. એકમાત્ર સ્વતંત્ર મંત્રી સુમિત કુમાર સિંહને વિજ્ઞાન, ટેકનોલોજી અને ટેકનિકલ શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે.