- સુરત ખાતે સી.આર.પાટીલે મનપાના પાંચ હોદ્દેદારો તેમજ સ્થાયી સમિતિના સભ્યોને બોલાવ્યા
- સાંસદ, યોગેશ પટેલ સિવાય અન્ય ચાર ધારાસભ્યો અને 3 મહામંત્રીઓ સુરતમાં
મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમજ ભાજપાના સંગઠનનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિખવાદ વધુ ન વકરે તે હેતુથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મનપાના હોદ્દેદારો, સંગઠનના આગેવાનો તેમજ ધારાસભ્યોને સુરત ખાતે બોલાવ્યા હતા. અને તેઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મહાનગરપલિકાના હોદ્દેદારો અને સંગઠન વચ્ચેનો ગજગ્રાહ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. મનપાના હોદ્દેદારો પોતાની મનમાની કરતા હોવાના પણ આક્ષેપ થઇ રહ્યા હતા તો સામે સંગઠનના ઈશારે જ મનપા ચાલી રહી હોવાના પણ આક્ષેપ થયા છે. આ વિખવાદને લઈને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મનપાના હોદ્દેદારો અને સંગઠનના આગેવાનો તેમજ ધારાસભ્યોને સુરત ખાતે બોલાવ્યા હતા. મંગળવારે સવારે આ તમામ આગેવાનો સુરત જવા રવાના થયા હતા. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, દંડક, પક્ષના નેતા, સ્થાયી સમિતિના સભ્યો. સંગઠનમાંથી 3 મહામંત્રી અને શહેરના 5 પૈકી યોગેશ પટેલ સિવાયના તમામ ધારાસભ્યો અને સાંસદ સુરત પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. સી.આર.પાટીલ દ્વારા હોદ્દેદારો તેમજ સંગઠનના આગેવાનોને સાંભળવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને ત્યાર બાદ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.