આપણુ વહાલુ સુરત એક પછી એક પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં તેણે જે પ્રગતિ કરી છે તે નેત્રદીપક છે. આમ તો સુરત શહેર સદીઓથી એક મહત્વના વેપારી શહેર તરીકેનું સ્થાન ધરાવતુ઼ આવ્યું છે અને મોગલ સલ્તનતના સમયમાં તો તે એક વેપારી બંદર તરીકે પણ ધમધમતું હતું. તાપી નદીમાં વેપારી જહાજો અને મુસાફર જહાજો આવતા હતા. જો કે પછી તાપી નદી છીછરી નદી થતી ગઇ અને જહાજોનું અંદર સુધી આવવાનું મુશ્કેલ અને પછી અશક્ય બની ગયું અને વેપારી બંદર તરીકેનું સ્થાન સુરતે ગુમાવી દીધું.
જો કે છેલ્લા કેટલાક દાયકઓમાં સુરતે ટેક્સટાઇલ્સ સિટી તરીકે અને હીરા ઉદ્યોગના એક મહત્વના કેન્દ્ર તરીકે ગજબનું કાઠું કાઢ્યું છે. સુરતમાં બીજા પણ અનેક ઉદ્યોગો ધમધમતા થયા અને દેશભરમાંથી લોકોનો મોટો પ્રવાહ સુરત તરફ આકર્ષાવા માંડયો. એક સમયનું નગર એવું સુરત શહેર બન્યુ, મહાનગર બન્યું અને હવે તો તે એક મહાકાય મહાનગર બની ગયું છે. લાંબા સમય સુધી સુરત ડોમેસ્ટિક એરપોર્ટથી પણ વંચિત રહ્યું હતું. તેને ડોમેસ્ટિક એરપોર્ટ મળ્યું તેના પછી પણ ડોમેસ્ટિક ફલાઇટો નહીંવત જેવી આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સુરત એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફલાઇટોની ઉડાનો વધી છે અને છેવટે હવે કેન્દ્ર સરકારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાનું મંજૂર કર્યું છે અને ખરેખર આ સુરત શહેર માટે એક ગૌરવની ક્ષણ છે.
કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપતાની સાથે જ મોદી સરકારે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત શહેર ને મોટી ભેટ આપી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ વ્યૂહાત્મક પગલાનો અર્થ અભૂતપૂર્વ આર્થિક સંભાવનાને બહાર કાઢવાનો છે, જે સુરતને ઇન્ટરનેશનલ ઉડ્ડયન લેન્ડસ્કેપમાં એક મહત્વનું કેન્દ્ર બનાવે છે અને આ પ્રદેશમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો અને જેવા આ સમાચાર જાહેર થયા કે સુરતવાસીઓ અને અન્યત્ર વસતા સુરતીઓમાં પણ આનંદની લહેર ફેલાઇ ગઇ છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો આપવાથી આર્થિક વિકાસને વેગ મળશે, અને તેનાથી વિદેશી રોકાણ આકર્ષવામાં અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે. આનાથી ઇન્ટરનેશનલ પ્રવાસીઓને સુવિધા તો મળશે જ પરંતુ હીરા અને કાપડ જેવા ઉદ્યોગો માટે નિકાસ-આયાતનું કામ પણ સરળ બનશે. આ નિર્ણય સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નકશા પર મૂકશે અને તે ક્ષેત્રમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરશે. સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધ્યો છે.
એ ઉલ્લેખનીય છે કે સુરતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની નવી ઇમારતનું ઉદ્દઘાટન કરશે અને એ દિવસથી સુરતથી હોંગકોંગ અને દુબઈની સીધી ફ્લાઈટ શરૂ થશે. એ પણ નોંધનીય છે કે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે રૂ.350 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક એરપોર્ટ પર પણ કેટલીક ટેકનીકલ સમસ્યાઓ નડતી હતી તે સમસ્યાઓ દૂર કરવામાં આવી હશે અને બીજી જો કોઇ સમસ્યાઓ ઉભી થાય તો તેનું પણ ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે એવી આશા રાખવાનું અસ્થાને નહીં હોય.
સુરતને જ્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી રહ્યું છે તે એક ગૌરવની બાબત તો છે જ, પરંતુ સુરતીઓને અને દક્ષિણ ગુજરાતના લોકોને હવે વિશ્વના અન્ય દેશોમાં જવા માટે મુંબઇ કે અમદાવાદ નહીં જવું પડે તે પણ એક ઘણી આનંદની વાત છે. જો કે હાલમાં તો આ એરપોર્ટ પરથી હોંગકોંગ અને દુબઇની ફ્લાઇટો જ શરૂ થઇ રહી છે પરંતુ ભવિષ્યમાં અમેરિકા, યુકે જેવા દેશો સુધી જતી ફ્લાઇટો પણ મળી રહેશે એવી આશા રાખી શકાય. જો કે તે માટે પુરતા મુસાફરો મળવા જોઇએ તે એક મહત્વની પૂર્વશરત છે. બધા જ ઇન્ટરનેશનલ એરપોર્ટો પરથી બધા જ દેશોની ફ્લાઇટો મળી શકતી નથી અને લોકોએ નજીકના મોટા એરપોર્ટ પર જવું જ પડે છે આવું વિકસીત દેશોમાં પણ હોય છે. હાલ તો સુરતને આંતરરાષ્ટ્રીય હવાઇ મથક મળ્યું તે જ આપણા માટે ઘણા આનંદની વાત છે અને આ એરપોર્ટ પૂર્ણ કક્ષાએ ધમધમતું થાય તેવી આશા રાખીએ.