રશિયા અને યુક્રેનને યુદ્ધને કારણે એક વર્ષ પહેલા નીચે ધકેલાઈ ગયેલું ભારતીય શેરબજાર ફરી તેજીમાં આગળ વધી ગયું છે. બુધવારે શેરબજારની તેજી સાથે બીએસઈનું માર્કેટ કેપ ભારત દેશના જીડીપીથી પણ આગળ વધી ગયું હતું. આ સાથે જ શેરબજારનો નવો રેકોર્ડ થયો છે. ભારતીય શેરબજારની વેલ્યુ પહેલી વખત 4 લાખ ડોલરને પાર થઈ ગઈ છે અને વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 5168 થઈ છે. જેમાં બુધવારે 3730 શેરમાં ટ્રેડિંગ થયું હતું. જેમાં 2000 શેરમાં વધારો નોંધાયો છે. જ્યારે 1600 શેરમાં ઘટાડો થયો છે. 288 શેરએ સપ્તાહની સૌથી ઉંચી સપાટી બનાવી છે જ્યારે 273 શેરમાં અપર સર્કિટ લાગી છે. જ્યારે 162 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. આજના નવા રેકોર્ડ સાથે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર અમેરિકા-ચીન અને જાપાનને પણ માર્કેટ કેપિટલમાં પડકાર આપી શકશે.
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું હાલનું માર્કેટ કેપ રૂપિયા 333 લાખ ડોલરને વટાવી ગયું છે. વર્ષ 2023માં ભારતની કુલ જીડીપી રૂપિયા 273 લાખ કરોડ છે. જ્યારે બજેટમાં પણ 2024 માટે 301.75 લાખ કરોડના જીડીપીનું અનુમાન કરવામાં આવ્યું છે. આ જીડીપી કરતાં શેરબજારનું માર્કેટ કેપ વધારે છે. મોદી સરકાર દ્વારા દેશના જીડીપીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાની અનેકોવખત જાહેરાત કરવામાં આવી છે. જોકે, ભારતનું જીડીપી હજુ સુધી 4 લાખ કરોડ ડોલર સુધી પહોંચ્યું નથી. પરંતુ ભારતીય શેરબજાર તેનાથી આગળ જરૂર નીકળી ગયા છે.
ભારતીય શેરબજારમાં જે રીતે તેજીનો ઘોડો દોડી રહ્યો છે તેણે માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ ભારતીય શેરબજારને વિશ્વમાં પાંચમા ક્રમે મુકી દીધું છે. આ વધારાને કારણે ભારતીય શેરબજારમાં માર્કેટ કેપિટલમાં 51 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. શેરબજારમાં આ તેજી મોટી કંપનીઓને કારણે આવી નથી. આ તેજીની પાછળ સ્મોલ અને મિડકેપ કંપનીઓ જવાબદાર છે. ભારતે 3 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીને મે-2021માં હાંસલ કરી હતી પરંતુ બાદમાં અઢી વર્ષે હવે ભારત 4 ટ્રિલિયન ઈકોનોમી સુધી પહોંચ્યું છે. આગામી સમયમાં ફેડ દ્વારા રેટકાપ કરવામાં આવશે તેવા સંકેતોને કારણે નિફ્ટીમાં તેજી આવી છે. વર્ષ 2023માં એફડીઆઈ દ્વારા એક લાખ કરોડ રૂપિયાના ભારતીય શેરોની ખરીદી કરવામાં આવી છે. ભારતીય શેરબજારની હરણફાળ જોતાં આગામી ચારેક વર્ષમાં ભારતનું જીડીપી જાપાન કરતાં આગળ નીકળી જશે.
જો આમ થશે તો ત્યારબાદ ભારતની આગળ માત્ર ચીન અને અમેરિકા જ રહી જશે. હાલમાં ભારતીય ઈકોનોમીનું કદ 3.4 ટ્રિલિયન ડોલર છે અને એવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે કે વર્ષ 2047માં ભારતની ઈકોનોમી 29 ટ્રિલિયન ડોલર અને 2052માં ઈકોનોમીનું કદ 45 ટ્રિલિયન ડોલર થાય તેમ છે. સીએલએસએના અંદાજ પ્રમાણે જો ભારતમાં આર્થિક સુધારાઓ ચાલુ રહેશે તો બની શકે છે કે 30 વર્ષ બાદ ભારતની ઈકોનોમી અમેરિકાની ઈકોનોમીને આંબી જશે.જો ભારતમાં આવી જ રીતે આર્થિક સુધારાઓ અને સાથે સાથે સ્મોલ અને મિડિયમ ઈન્ડસ્ટ્રીમાં વધારો થતો રહ્યો તો આગામી સમયમાં ભારતીય ઈકોનોમી વિશ્વની સૌથી મોટી ઈકોનોમી વધી જશે તે નક્કી છે.