SURAT

પલસાણાની કિરણ ઇન્ડસ્ટ્રી દુર્ઘટનમાં સંચાલકો ઉપર ગંભીર આરોપ

સુરત: જિલ્લાના પલસાણા (Palasana) તાલુકાના બલેશ્વર ગામ (Baleshwar) ખાતે આવેલી કિરણ ઇન્ડસ્ત્રીઝમાં (Kiran industries) એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં 4 કામદારોના મોત (death) થયા હતા. આ બનાવ 14 નવેમ્બરે બન્યો હતો. જેમાં કામદારોના મોત કંપની સંચાલકોની બેદરકારીને કારણે થયા હોવાના આરોપો કોંગ્રેસ (Congress) નેતા દર્શન નાયક દ્વારા લગાવવામાં આવ્યા છે. સાથે જ યોગ્ય કાયદાકીય પગલા ભરી કામદારોને વળતર આપવાની માંગ કરી છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક એ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના પલસાણાની કિરણ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ વિરૂધ્ધ બલેશ્વર ગ્રુપ ગ્રામ પંચાયતએ તા: 28/2/2022 ના રોજની સામાન્ય સભામાં પંચાયતની આવક વધારવાનો હેતુ જણાવી રૂપિયા 2 કરોડની આકારણી કરવામાં આવી હતી. પરંતુ કાયદાકીય રીતે તે યોગ્ય નથી. બલેશ્વર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કિરણ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ ની આકારણી કરવામાં આવી નથી. જેથી સરકારની તિજોરી અને ગ્રામ પંચાયતની આવકને ખૂબ મોટું નુકશાન થયું છે.

વધુમાં જણાવ્યું હતું કે અગાઉ બનેલા કિસ્સા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ફરી તા: 14/11/2023 ના રોજ એક દુર્ઘટના બની હતી. જેમાં કિરણ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો અને મેનેજરોની બેદરકારીને કારણે 4 કામદારોના મૃત્યુ થયા હતા. કિરણ ઇન્ડસ્ટ્રીઝ બલેશ્વર ગામ તેમજ આસપાસના ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રદુષણ ફેલાવી રહી છે. આ એકમ દ્વારા ભુગર્ભમાં ઈટીપીની છુપી ટાંકીઓ બનાવી દેવામાં આવેલ છે જે અંદાજીત 40 થી 50 ફૂટ જેટલી ઊંડી છે. આ ટાંકીની ક્ષમતા ફક્ત એક જ વ્યક્તિ અવર-જવર કરી શકે તેવી છે તેમ છતા આ એકમના સંચાલકોએ આ ટાંકીમાં 4 કામદારોને સાફસફાઈ કરવા ઉતારેલા હતાં. જેથી સંચાલકો અને કંપનીના અધિકારીઓની બેદરકારીને કારણે આ 4 કામદારોનું મૃત્યુ થયુ છે.

તમામ માહિતી અને પુરાવાઓ હોવા છતા યોગ્ય આકારાણી નહિ કરી આંખ આડા કાન કરી એકમને ગેરકાયદેસર ફાયદો છેલ્લા ઘણા વર્ષોથી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેને કારણે તમામ માહિતી હોવા છતા પણ ખોટી અને ગેરકાયદેસર રીતે ઓછી આકારણી કરી બેરોકટોક રીતે પંચાયત અધિનિયમ અને અન્ય સંબંધિત કાયદાઓની જોગવાઈઓનું ખુલ્લેઆમ ભંગ કરી રહેલ છે. જેથી ગ્રામ પંચાયત બલેશ્વરના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે એવી માંગ કોંગ્રેસના નેતા દર્શનકુમાર નાયક દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top