ભરૂચ: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) 10 દરવાજા સીઝનમાં પહેલી વખત 1.45 મીટરથી ખોલાતા વડોદરા(Vadodara), નર્મદા (Narmada) અને ભરૂચ (Bharuch)જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે એલર્ટ કરી દેવાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 8 ટર્બાઇન ચલાવી 12 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે ઓમકારેશ્વર ડેમના દરવાજા પણ ખોલતા સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.
- નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા, ડેમની સપાટી 136.11 મીટરે પહોંચી
- સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવાથી 1.57 મીટર દૂર, ભરૂચમાં સંભવિત પુરની સંભાવના
પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના 30 પૈકી 10 ગેટ 1.45 મીટરથી શનિવારે બપોરે 12 કલાકે ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા નદીમાં પાણી મોટી માત્રામાં ઠલવાઇ રહ્યું છે. ક્રમશ 3.45 લાખથી 8 લાખ સુધી પાણીમાં વધારો થવાનો હોય ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
શનિવારે સવારે 11 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.82 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી – 138.68 મીટર છે. પાણીની આવકમાં ધરખમ વધારો થતાં ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટરે ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 12 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી રહી છે.
સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા 10 દરવાજા ખોલી બપોરે 12 કલાકે પાણી છોડવાનું શરૂ કરાયું છે. બપોરે 1 કલાકથી વધુ દરવાજા ખોલાયા હતા. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે 1 કલાકથી 3.95 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જે તબબક્કાવાર વધારીને 8.45 લાખ ક્યૂસેક સુધી છોડવામાં આવી શકે છે.
નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. હાલ પાણીની આવક 5,80,000 લાખ ક્યૂસેક છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ થઈ રહ્યાં છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં પાણીની સપાટી 136.11 મીટરને પાર કરી ગઈ છે. પાણીની આવક બપોર બાદ વધીને 9,38,060 લાખ ક્યૂસેક થઈ છે.