નવી દિલ્હી: ઈસરોનું (ISRO) ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશન ઈતિહાસ લખવાથી માત્ર એક ડગલું દૂર છે. શનિવારે રાત્રે 2 વાગ્યે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર વિક્રમમાં બીજી વખત ડીબૂસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ડીબૂસ્ટિંગ બાદ હવે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. હાલમાં લેન્ડર વિક્રમ સૌથી નજીકથી 25 કિમી અને સૌથી દૂરથી 134 કિમીના અંતરે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. ડિબૂસ્ટિંગ દરમિયાન વિક્રમ લેન્ડરમાં ફીટ કરાયેલા તમામ ચાર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ ડિબૂસ્ટિંગમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાકીના બે એન્જિન શનિવારે રાત્રે થયેલા ડિબૂસ્ટિંગમાં ઉપયોગમાં લેવાયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે લેન્ડર વિક્રમ સંપૂર્ણપણે ઠીક છે.
2જી ડીબૂસ્ટિંગ સફળ
ચંદ્રયાન-3 મિશનમાં માત્ર ડીઓર્બિટ બર્ન અને લેન્ડિંગ બાકી છે. હાલમાં લેન્ડર જે ભ્રમણકક્ષામાં છે તેને ISRO દ્વારા ઇન્ટરમીડિયેટ ટ્રાન્સફર ઓર્બિટ કહેવામાં આવે છે. લેન્ડર તેના લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોશે અને આ ભ્રમણકક્ષામાંથી લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટના રોજ સાંજે 5.45 કલાકે ચંદ્ર પર ઉતરશે. લેન્ડરનું પ્રથમ ડીબૂસ્ટિંગ 18 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. તે સમયે ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 113 કિમી અને મહત્તમ અંતર 157 કિમી હતું. જ્યારે બીજું ડિબૂસ્ટિંગ 20 ઓગસ્ટની મધ્યરાત્રિ પછી થયું હતું અને હવે ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે.
વિક્રમ લેન્ડરને લેન્ડિંગ માટે જગ્યા મળશે
ડીબૂસ્ટિંગની આ પ્રક્રિયા લેન્ડરમાં ફીટ થ્રસ્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં, મુસાફરીની દિશાની વિરુદ્ધ દિશામાં થ્રસ્ટર્સ ફાયરિંગ કરીને વાહનની ગતિ ઓછી કરવામાં આવી હતી. ચંદ્રયાનના લેન્ડરની ચારેય બાજુ 800 ન્યૂટન પાવરના થ્રસ્ટર્સ છે. જેની મદદથી લેન્ડર મોડ્યુલની સ્પીડ ઘટાડીને નીચલા ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. હવે આગામી ત્રણ દિવસ સુધી લેન્ડર વિક્રમ તે જગ્યાની શોધ કરશે જ્યાં તેને લેન્ડ કરવાનું છે. આ વખતે લેન્ડર વિક્રમ એવા ઉપકરણોથી સજ્જ છે કે જેથી તે પોતાની લેન્ડિંગની જગ્યા જાતે જ નક્કી કરશે.
સોફ્ટ લેન્ડિંગ આ રીતે થશે
બીજા ડિબૂસ્ટિંગ સાથે, ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. હવે લેન્ડરની ગતિ ધીમી કરીને તેને લેન્ડ કરીને અંતરિક્ષની દુનિયામાં ઈતિહાસ રચવાની તૈયારી ચાલી રહી છે. લેન્ડર વિક્રમની લેન્ડિંગ પ્રક્રિયા 25 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થશે. આ માટે લેન્ડરની સ્પીડ 1680 મીટર પ્રતિ સેકન્ડથી 2 મીટર પ્રતિ સેકન્ડ સુધી લાવવી પડશે. પરિભ્રમણ કરતી વખતે તેને 90 ડિગ્રીના ખૂણા પર ચંદ્ર તરફ જવાનું શરૂ કરવું પડશે. થ્રસ્ટર્સની મદદથી તેને નીચે ઉતારીને તેને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારવામાં આવશે.
ચંદ્રયાન-3 મિશન અંગે, વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટ કર્યું, “લેન્ડિંગ માટે તૈયાર રહો! ચંદ્રયાન 3ના અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશને સફળતાપૂર્વક લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષાને 25 કિમી x 134 કિમી સુધી ઘટાડી દીધી છે.” ચંદ્ર પાસે પહોંતા જ કાઉન્ટ ડાઉન શરૂ થઈ જશે.”