સુરત: ઉમરા (Umra) પાસપોર્ટ ઓફીસની સામે પોલીસ લાઈનના B વિભાગમાં 7માં માળે લિફ્ટમાં ફસાયેલી મહિલાને ફાયરના જવાનોએ (Fire Brigade) દરવાજો તોડી બહાર કાઢી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં, પણ બંધ લિફ્ટમાં વેન્ટિલેટરની સુવિધાના અભાવે મહિલા ગભરાઈ જતાં તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરાઈ હતી. વીજળી (Electricity) ડુલ થવાના કારણે લિફ્ટ અચાનક બંધ થતાં આ ઘટના બનવા પામી હતી.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે 11:20 નો હતો. એક મહિલા લિફ્ટમાં ફસાઈ ગઈ હોવાની જાણ થતાં જ તાત્કાલિક મજુરા ફાયર સ્ટેશનના જવાનોને સ્થળ પર રવાના કરાયા હતા. ટીમે સ્થળ પર પહોંચી માત્ર 10-12 મિનિટમાં જ મહિલાને સહી સલામત બહાર કાઢી હતી.
- વીજળી ડુલ થઈ જતા ઘટના બની : બંધ લિફ્ટમાં મહિલાને શ્વાસ લેવાની તકલીફ પડતા ફાયરની મદદ લેવાય
અક્ષય પટેલ (ફાયર ઓફિસર)એ ઘટના વિશે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ ટીમ હાઇડ્રોલિક કોમ્બિતોલ મશીન લઈને જ સ્થળ પર ગઈ હતી. 7મા માળે બંધ લિફ્ટમાં મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ગભરાયેલી હાલતમાં મહિલા ‘બહાર કાઢો’ એવું કહી રહી હતી. મશીનથી દરવાજો તોડી મહિલાને બહાર કાઢતાં મહિલાએ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રેસ્ક્યુમાં અંદાજે 10-12 મિનિટનો સમય લાગ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તપાસમાં મહિલાનું નામ મીરા રાઠવા હોવાનું અને 32 વર્ષના હોવાનું સામે આવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પરથી 11મા માળે જતાં સમયે વીજળી ડુલ થઈ ગઈ હતી. જેને કારણે મહિલા 7મા માળે ફસાઇ ગઈ હતી. મહિલાએ અનેક પ્રયાસો ર્ક્યા હોવા છતાં કોઈ પણ રીતે બહાર ન નીકળી શકતા લિફ્ટની આજુબાજુ લોકો ભેગા થઈ ગયા હતા. આખરે લોકોએ ફાયરની મદદ માંગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેઓ મહિલાને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.